• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

સરહદે અજવાળું પાથરવા દેશનો પાઈલટ પ્રોજેક્ટ કચ્છમાં

ગિરીશ જોશી દ્વારા

ભુજ, તા. 1 : પડોશી પાકિસ્તાનની સીમા સાથે જોડાયેલી કચ્છની સરહદે રખોપું કરતા સીમા સુરક્ષા દળના જવાનોને રાત્રે અંધારાં ઉલેચી અજવાળાં પાથરતી વીજળીરૂપી સેવાને આડે હંમેશાં અવરોધ આવતો હોવાથી સાતત્યપૂર્ણ વીજપુરવઠો મળી રહે તેવી નવી તકનિકની શોધ ઇજનેરોની ટીમ દ્વારા કરવામાં આવતા ભારતની પહેલી સરહદે એલીવેટેડ પ્રકારના વીજ વાયરો નાખીને દેશના પ્રથમ પાઈલટ પ્રોજેક્ટને મંજૂરી મળી હોવાની જાણકારી મળી છે. રણ અને દરિયાઇ ખારાશ, ક્ષાર તથા ભારે ફૂંકાતા પવનના કારણે થાંભલા ઉપરથી પસાર થતી વીજલાઇનો કે ભૂગર્ભ કેબલમાં વારંવાર નુકસાની થતી હોવાથી સળંગ વીજ પુરવઠો સરહદી ચોકીઓને  આપવામાં મુશ્કેલી થતી હોવાથી ચોકી પહેરો ભરતા સીમા સુરક્ષા દળના જવાનોને વીજપુરવઠો મેળવવામાં નાકે દમ આવી જતો હોવાથી આ સ્થિતિમાંથી કાયમી છૂટકારો મેળવવા પીજીવીસીએલના એમ.ડી. પ્રીતિ શર્માએ કચ્છના ઇજનેરોને નવી ડિઝાઇન બનાવવા સૂચના આપી હતી. એમ.ડી.એ અંગત રસ લઇને ઇજનેરોની ટીમને સતત માર્ગદર્શન આપતા જુદા જુદા સ્થળોએ વિષમ પરિસ્થિતિમાં  વીજ પુરવઠો કેવી રીતે પહોંચાડવામાં આવે છે, તેના પાસાંઓનો અભ્યાસ કરી ઓવરહેડ નહીં ને ભૂગર્ભ કેબલ પણ નહીં, છતાં જમીન ઉપર દોઢ ફૂટના અડધા થાંભલા પરથી પાઇપોમાંથી વીજરેષા પસાર કરીને વીજળી આપી શકાય તેવી તકનિક શોધતા આ પ્રકલ્પને  મંજૂરી મળીને દેશનો પ્રથમ પાઈલટ પ્રોજેક્ટ રૂા. 3.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હોવાનું પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર જે.એમ. કાપડિયાએ જણાવ્યું હતું. ભારતનો આ પ્રથમ પ્રોજેક્ટ કોણે તૈયાર કર્યો આ સવાલ સામે શ્રી કાપડિયાએ જણાવ્યું હતું કે, એમ.ડી. અને અધિક્ષક ભરત રાઠોડના માર્ગદર્શન હેઠળ ઇજનેરો રીટાબેન પીંડોરિયા, જે.જે. ક્રિશ્ચિયન, જે.બી. ચૌહાણ, એલ.સી. ગામીતના પ્રયાસોથી નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. સીમા સુરક્ષા દળના અધિકારીઓને સાથે રાખી ભવિષ્યમાં સાતત્યપૂર્ણ રીતે વીજળી આપી શકાય એ હેતુથી પ્રોજેક્ટ તૈયાર કરી સ્થળ પર તેનું નિદર્શન કરી મોટી ટ્રક વગેરે પણ પાઇપો પર ચડાવીને સફળતા મળ્યા બાદ તેને મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. અત્યારે 10 કિલોમીટરમાં બિહાર બેટથી ગોકુલ ચોકી સુધી 11 કે.વી.એ.ની લાઇનો થાંભલામાંથી પસાર થશે. ભારતની તમામ સરહદે કામ લાગે તેવી યોજના હોવાથી પાઈલટ પ્રોજેક્ટ રૂપે અમલ કરવામાં આવતા આગામી ટૂંક સમયમાં છેક સુઇ સરહદથી હરામીનાળાં સુધી 250 કિ.મી. સુધી એલીવેટેડ કેબલ દ્વારા બીએસએફની તમામ ચોકીઓને વીજળીથી જોડવામાં આવશે. અત્યાર સુધીના વીજ થાંભલા, વાયરો પસાર કરવાના કામમાં જોવા જઇએ તો  વાયરો ક્ષારના કારણે ખવાઇ જતા હતા. તેમાંથી બહાર લાવવા ઇન્ડો-પાક બોર્ડરનો આ પાઈલટ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે એમ તેમનું કહેવું છે. શ્રી કાપડિયાના જણાવ્યા પ્રમાણે પ્રથમ 10 કિ.મી.ના કામના ટેન્ડર બહાર પાડયા બાદ હવે વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. એક વર્ષમાં કામ પૂર્ણ થઇ જશે એટલે દેશની સીમાને અજવાળા આપતી આ નવી યોજનાનો સફળતાનો યશ કદાચ કચ્છના ઇજનેરોને મળશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang