ભુજ, તા. 30 : ભાદરવો મહિનો
હવે તેના અંતિમ પડાવ ભણી છે, તો આસો માસનું આગમન દરવાજે ટકોરા મારી રહ્યું છે, ત્યારે
જિલ્લાના વાતાવરણમાં અનુભવાતી વિષમતા વચ્ચે મુંદરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ગાજવીજ
સાથે વરસેલાં વરસાદી ઝાપટાંએ ચોમાસુ માહોલ સર્જી દીધો હતો. આ તરફ 36.6 ડિગ્રીએ ભુજ
રાજ્યનું પ્રથમ અને 36.4 ડિગ્રીએ કંડલા એરપોર્ટ બીજા નંબરનું ગરમ મથક બનતાં ગરમીની
આણ પણ વર્તાઈ હતી. હવામાન વિભાગે હજુ એક દિવસ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસે તેવું
અનુમાન વ્યક્ત કર્યું છે. મુંદરાથી મળેલા અહેવાલ અનુસાર બપોરના સમયે તાલુકાના ગ્રામીણ
વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગરમી-ઊકળાટ પછી ગાજવીજ સાથે ધોધમાર વરસાદી
ઝડી વરસવાની શરૂઆત થઈ હતી. ક્યાંક આ વરસાદનું જોર થોડું વધુ જોવા મળ્યું હતું. તાલુકાના
પત્રી, વાઘુરા, કણઝરા, બગડા, વાંકી, ટોડા, લાખાપર સહિતના ગામોમાં વરસાદી ઝાપટું વરસતાં
ક્યાંક જોશભેર પાણી પણ વહ્યાં હતાં. કણઝરાથી સરપંચ સભુભાઈએ જણાવ્યું કે, કણઝરા, લાખાપર,
ટોડા સહિતના ગામોમાં પડેલાં ઝાપટાંથી છેલા જોશભેર વહી નીકળ્યાં હતા. ભુજ ઉપરાંત તાલુકાના
કુકમા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘગર્જના સાથે વીજળીના ચમકારા જોવા મળ્યા હતા. જો
કે, મુંદરા તાલુકાને બાદ કરતાં જિલ્લામાં અન્ય ક્યાંયથી વરસાદના અહેવાલ મળ્યા નથી.
આ તરફ જિલ્લા મથક ભુજ અને અંજાર-ગાંધીધામ વિસ્તારમાં ભાદરવાના અંતિમ પડાવમાં પણ તાપની
આકરી અનુભૂતિ થઈ હતી.