• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

નક્સલીથી ફાળકે સન્માન : મિથુન દા'ની રોચક સફર

ભારતીય ફિલ્મ જગતના મહાન અભિનેતા ચક્રવર્તીની એક નક્સલીથી ફાળકે એવોર્ડના સન્માન સુધીની સફર કોઇ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મી ક્રીપ્ટથી કમ નથી રહી.

16મી જૂન-1950ના કોલકાતામાં મધ્યમ વર્ગ પરિવારને ત્યાં જન્મેલા મિથુન દા'નું નામ મૂળ ગૌરાંગ ચક્રવર્તી છે. પૂનાની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું, ત્યારબાદ કોલકાતાના માહોલને અનુરૂપ નક્સલી ગ્રુપ સાથે જોડાઇ ગયા. દરમ્યાન ભાઇનાં આકસ્મિક મૃત્યુના પગલે ફરી પરિવારમાં પરત ફર્યા.

પહેલી ફિલ્મમાં જ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો

મુંબઇમાં ફિલ્મોમાં કામ મેળવવા ખૂબ સંઘર્ષ કર્યો, પરંતુ પ્રથમ તક 1976માં મૃણાલ સેને `મૃગ્યા' ફિલ્મમાં એક આદિવાસી યુવકના રોલ માટે આપી, આ ફિલ્મમાં તેને પ્રથમ રાષ્ટ્રીય એવોર્ડની નવાજેશ પણ થઇ અને બોલીવૂડમાં તેના પ્રત્યે સૌનું ધ્યાન ખેંચાયું.

`િડસ્કો ડાન્સર' યુવા હૈયાની ધડકન બની

1982નું વર્ષ તેની કારકિર્દી માટે મહત્ત્વનું સાબિત થયું. શૌકિન, અશાંતિ, તકદીર કા બાદશાહ અને સ્વામી દાદામાં તેને નાના-મોટા રોલ મળ્યા, પણ તે જ વર્ષે આવેલી બી. સુભાષની  ભપ્પી લહિરીના સંગીતમાં મઢેલી `િડસ્કો ડાન્સર' ફિલ્મ યુવા હૈયાની ધડકન બની ગઇ.

`િડસ્કો ડાન્સર'ના લીધે તેની ફેન ફોલોઇંગ માત્ર ભારતમાં જ નહીં ચીન, રશિયામાં પણ જોવા મળી, આજે પણ મિથુનને આ બે દેશના લોકો આદર આપે છે.

ગરીબ નિર્માતાઓના અમિતાભની ઓળખ મળી

1980નો દાયકો એટલે અમિતાભ બચ્ચનનું સુપર સ્ટારડમ, ધર્મેન્દ્ર, શત્રુઘ્ન સિંહા અને વિનોદ ખન્ના જેવા દિગ્ગજો વચ્ચે શ્યામવર્ણી સામાન્ય ચહેરો કદકાઠી છતાં મિથુન દા'એ બોલીવૂડમાં એવા પગ જમાવ્યા કે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને ગરીબ નિર્માતાઓના અમિતાભની ઓળખ મળી હતી.

સૌથી વધુ અભિનેત્રીઓ સાથે કામ કરવાનો રેકોર્ડ

આશરે 350 ફિલ્મમાં કામ કરનાર મિથુનના નામે અલગ-અલગ એવી સૌથી વધુ અભિનેત્રીઓ સાથે કામ કરવાનો પણ કદાચ વિક્રમ હશે.

અભિનેત્રી, રંજિતા, શ્રીદેવી, પદ્મિની કોલ્હાપૂરે સાથેની જોડી ખૂબ પસંદ કરાઇ છે.

અમિતાભ સાથેની સમાંતર ભૂમિકાઓ કરી

`ગરીબો'ના અમિતાભ કહેવાતા આ કલાકારે ખુદ બીગ-બીની `દો અન્જાને' ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવી તે પછી ગંગા જમુના સરસ્વતીમાં અમિતાભ સાથે સમાંતર રોલ કર્યો હતો. દરમ્યાન બહુચર્ચિત `અગ્નિપથ'માં પણ મિથુન અમિતાભ સાથે મહત્ત્વના કિરદારમાં દેખાયા હતા.

`ઓક્ટોપસી'ના શૂટિંગ માટે ભારત આવેલા હોલીવૂડના સુપરસ્ટાર રોજર મૂરેને પત્રકારોએ જ્યારે પૂછયું કે, તમે કોઇ ભારતીય અભિનેતાને ઓળખો છો, ત્યારે આશ્ચર્ય વચ્ચે તેણે મિથુન ચક્રવર્તીનું નામ આપ્યું ! અને કહ્યું ઇન્ડિયન જેમ્સ બોન્ડ મિથુનની બોડી મારાથી સારી છે. `સુરક્ષા' ફિલ્મમાં તે `ગન માસ્ટર જી નાઇન' તરીકેછવાઇ ગયા હતા.

સૌથી વધુ ફલોપ ફિલ્મોનો વિક્રમ

અંદાજે કુલ 350થી વધુ ફિલ્મ આપનાર મિથુન દા'એ કુલ 180 ફિલ્મ ફ્લોપ આપી છે, જે ફિલ્મ ઇતિહાસનો રેકોર્ડ કહી શકાય. વળી, જ્યારે તેની કેરિયર પીક પર હતી, ત્યારે 1990ના દાયકામાં તો એક પછી એક 33 ફિલ્મ સળંગ નિષ્ફળ ગઇ, છતાંયે તેના સ્ટારડમમાં લેશ માત્ર ફરક ન પડયો.

તેમના `િજમી' પાત્ર પરથી કોમિક રિલીઝ થઇ

મિથુનની `િડસ્કો ડાન્સર' ફિલ્મના `િજમી' કિરદાર પરથી પ્રેરિત એક કોમિક પણ 2008માં રિલીઝ થઇ હતી. કોમિકનું નામ હતું જિમી ઝિંચક, એજન્ટ ઓફ ડિસ્કો અમેરિકામાં બહુ લોકપ્રિય રહ્યું હતું.

ડિસ્કો ડાન્સરે 100 કરોડની કમાણી કરી હતી

આજે ફિલ્મ હીટ જવાનો માપદંડ 100 કરોડની કમાણી લેખાયછે, પરંતુ 1980ના દાયકામાં ડિસ્કો ડાન્સરે 100 કરોડની આવક કરી હતી. આમ તેની ફિલ્મ મેગાહીટ કે બમ્પર હીટ ગણી શકાય. આ ફિલ્મને પૂર્વી યુરોપ, આફ્રિકા અને મધ્યપૂર્વમાં પણ ભારે આવકાર મળ્યો હતો.

એઁક વર્ષમાં મુખ્ય અભિનેતા તરીકે ફિલ્મોનો રેકોર્ડ

1989માં મુખ્ય અભિનેતા તરીકે 19 ફિલ્મ રિલીઝ થઇ હોય તેવો રેકોર્ડ પણ મિથુન દા'ના નામે છે અને તે અતૂટ રહ્યો છે.

અનેક એવોર્ડથી સન્માનિત

મિથુનને મૃગ્યા ઉપરાંત તાહાદર કથા અને સ્વામી વિવેકાનંદ ફિલ્મમાં અસાધારણ અભિનય બદલ કુલ ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. 2008માં ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે. 2001માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે.

સામાન્ય રીતે કોમેડી, રોમેન્ટીક કે મારધાડની ફિલ્મો સહિત દરેક કિરદારોમાં મહારત ધરાવનાર મિથુન એક પ્રશિક્ષિત માર્શલ આર્ટીસ્ટ પણ છે.

મિથુન દા' પોતાની `પાપારાઝી' પ્રોડક્શન નામની કંપની પણ ધરાવે છે અને અનેક ફિલ્મો પણ પ્રોડયુસ કરી ચૂક્યા છે.

મિથુન ચક્રવર્તીની અપાર લોકપ્રિયતાને લઇને બંગાળના સૌથી લોકપ્રિય અભિનેતાનો પ્રતિષ્ઠિત પુરસ્કાર પણ એનાયત થયો છે.

મિથુન દા'એ પ્રથમ લગ્ન 1979માં અભિનેત્રી હેલેના લ્યુક સાથે કર્યાં હતાં, જેનો માત્ર ચાર જ મહિનામાં અંત આવ્યો. 1979માં યોગિતા બાલી સાથે ફરી સંસાર માંડયો.

તેના પરિવારમાં મિમોહ, ઉપમે, નમાશી અને દત્તક   લીધેલી પુત્રી દિશાની એમ ચાર સંતાન છે.

રાજકીય સફર પણ શાનદાર

મિથુનની રાજનીતિક સફર પણ શાનદાર રહી છે. તૃણમૂલ કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સાંસદ રહ્યા છે. 2016માં તેમણે રાજીનામું આપ્યું, 2021માં તે ભાજપમાં સામેલ થયા.

મિથુને નક્સલાઇટ ફિલ્મમાં પોતાના જીવનનો ઓરિજિનલ રોલ કર્યો હતો. ફિલ્મ ભલે નિષ્ફળ રહી, પરંતુ તેનું કામ વખણાયું હતું.

જીવનમાં અનેક ચડતી-પડતી જોઇ ચૂકેલા મિથુન આજે કરોડોની સંપત્તિના માલિક છે. તેમનું નેટવર્થ 400 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. ઊટી, કોલકાતા જેવા શહેરોમાં બંગલા, ફાર્મહાઉસ ધરાવે છે. મુંબઇમાં પણ બે આલીશાન બંગલા ધરાવે છે, તેઓ ઊટીની સૌથી નાની હોટલ મોનાર્ક ગ્રુપના માલિક છે. તેમના પાર્કિંગમાં ફોર્ડ, વોક્સ વેગન, એન્ડેવર, ટોયોટા જેવી મોંઘીદાટ કારનો કાફલો છે, તો 116 શ્વાન તેણે પાળ્યા છે. એટલું જ નહીં શ્વાનો માટે એ.સી. રૂમ બનાવાયા છે.

નેવુંના દાયકાની એક પેઢી મિથુન પાછળ ગાંડી હતી

'90ના દાયકામાં યુવાન થયેલા દર્શકોની એક આખી પેઢી મિથુનના નામની દીવાની રહી છે. તેના જેવી હેર સ્ટાઇલ બનાવી ફરતી આ પેઢી માટે મિથુન માટે ગાંડપણ હતું, તેની ફિલ્મો જોવા આ પેઢી બધું દાવ પર લગાડી દેતી. રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન પછી મિથુન એકમાત્ર એવો કલાકાર હતો જે યુવા પેઢીની ધડકન હતો. પહેલી જ ફિલ્મ મૃગ્યાથી નેશનલ એવોર્ડ મેળવનાર આ અભિનેતા માટે સફળતા એટલી આસાન પણ નહોતી. સતત નિષ્ફળ ફિલ્મો પછી ઝિન્નત અમાનના સાથથી તકદીર બદલનારા મિથુનને સ્ટારપદ અપાવનારી ફિલ્મ સુરક્ષા બની ગઇ. એમ કહો કે, મિથુનની તકદીરને સુરક્ષા મળી. 1979ની જૂન મહિનાની એ તારીખ તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની રહી, મિથુન તેના દોસ્તો સાથે પોતાની ફિલ્મ જોવા થિયેટરમાં ગયા. એ દિવસોમાં જાસૂસી નવલકથાનો ક્રેઝ હતો. દાદરની એ ટોકિઝ પર મિથુન પહોંચ્યા, ત્યારે ત્યાં સન્નાટો હતો. કેમ કે, ફિલ્મ શરૂ થઇ હતી. મિથુનના ચહેરા પર રંગ ઊડી ગયો હતો. મિત્રો સાથે તેણે હોલમાં ડોકિયું કર્યું, તો હતપ્રભ બની ગયા. મિથુનના એક-એક?ડાયલોગ પર સીટી પડતી હતી. ગીત પર લોકો પડદા પાસે જઇને નાચતા હતા. મિથુનના ચહેરાનો રંગ હવે બદલી ગયો હતો. તેઓ મેનેજરની ચેમ્બરમાં બેઠા. ઇન્ટરવલ પડયો. લોકોને ખબર પડી કે તેનો પસંદગીનો હીરો થિયેટરમાં જ હાજર છે. લોકોએ હાથ મિલાવવા પડાપડી કરી, ઓટોગ્રાફ માટે મેનેજરની ચેમ્બરમાં ઘૂસ્યા. તેની દીવાલના કાચ તૂટયા. બસ, આ ઘટના પછી લોકોને ખ્યાલ આવી ગયો કે ફિલ્મ દુનિયાને રાજેશ ખન્ના અને અમિતાભ પછી એક નવો સુપરસ્ટાર મળી ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang