• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

મુંદરા નગર-તાલુકામાં ચૂકવાઈ 30 લાખની સહાય

મુંદરા,  તા. 5  : તાજેતરમાં ઊભી થયેલી અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં મુંદરા શહેર અને તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર રાહત યોજનાના ભાગરૂપે કેશડોલ્સ, ઘરવખરી, મકાન સહાય અને પશુ મરણ પેટે કુલ રૂ.30,05,540ની રકમની ચૂકવણી થઈ ચૂકી છે અને હજુ બાકી રહેલા જૂજ લાભાર્થીની ચુકવણી ટૂંકમાં થશે. મુંદરાના પ્રાંત અધિકારી ચેતનભાઇ મિશણના નિર્દેશ અનુસાર અને મામલતદાર કલ્પનાબેન ગોંદિયા, તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદીના માર્ગદર્શનમાં તાલુકામાં આઠ ટીમ અને શહેરમાં પાંચ ટીમના કુલ 14 કર્મચારીએ સતત બે દિવસ કામગીરી કરતાં મુંદરા શહેર વિસ્તારમાં કુલ રૂ. 7,23,840ની ચુકવણી કરવામાં આવી હતી. જે લાભાર્થીના સીધા ખાતામાં જમા કરવામાં આવી હતી. જ્યારે મુંદરા તાલુકામાં અસરગ્રસ્ત બનેલા વિસ્તારોમાં કુલ રૂ. 22,81,700ની કેશડોલ્સ અને વિવિધ સહાય ચૂકવવામાં આવી હતી. આ અતિવૃષ્ટિમાં શહેરમાં એક અને તાલુકામાં છ મકાન મળી કુલ સાત મકાનને નુકસાન થયું છે. જ્યારે શહેરમાં હજુ એક મકાનનો સર્વે બાકી છે, જ્યારે પશુપાલકોને પડેલા મોટા ફટકામાં 283 પશુએ જીવ ખોયા હતા.  મામલતદાર કચેરીનો સંપર્ક સાધતાં મળતી વિગતો મુજબ, મુંદરા નગર વિસ્તારમાં સર્વેના આધારે કરાયેલી આ કામગીરી અંતર્ગત 268 પરિવારને ઘરવખરીની રૂ. 6,70,000ની ચુકવણી કરાઈ, જ્યારે 178 લોકોને રૂ. 49,840 કેશડોલ્સ પેટે અપાયા હતા. જ્યારે એક મકાનને નુકસાની પેટે રૂ. 4,000ની સહાય ચૂકવી દેવાઈ છે, જ્યારે બીજા એક મકાનનો સર્વે જારી છે. આ સાથે કુલ મળીને રૂ. 7,23,840ની સીધી બેંક ખાતામાં ચુકવણી કરાઈ હતી. આ માટે રવિવારે પણ મુંદરા એસબીઆઇ અને બેંક ઓફ બરોડાની બ્રાન્ચને પણ ખુલ્લી રાખવામાં આવી હતી. જેથી તુરત ચુકવણી થઈ શકે.  મુંદરા તાલુકા પંચાયતનો સંપર્ક કરતાં મળેલી વિગતો મુજબ, તાલુકા વિસ્તારમાં જે લોકોનું પૂર પરિસ્થિતિ કે ઘરોમાં પાણી આવવાને કારણે સ્થળાંતર કરવામાં આવ્યું હતું, તે લોકોને ચુકવણી કરવામાં આવી છે. જ્યારે મકાન સહાય યોજના તળે, જે લાભાર્થીના મકાન નુકસાન પામ્યા હતા તેમજ પશુ મરણના કિસ્સામાં જેમના આધારો હજુ પુરા રજૂ નથી થયા, તેમની ચુકવણી પ્રક્રિયા જારી છે. જે પૂર્ણતાના આરે છે. તાલુકાના મળતા આંકડા મુજબ, સર્વેના આધારે કરેલી આ કામગીરીમાં 25 પરિવારને અને 37ને વ્યક્તિગત રીતે મળી કુલ રૂ. 20,700ની કેશડોલ્સની,  જ્યારે 25 કુટુંબને પેટે રૂ. 62,500ની ઘરવખરી સહાય પેટે ચુકવણી કરાઈ છે. છ લાભાર્થીને મકાન નુકસાન માટે પાત્ર ઠરાવામાં આવ્યા અને એમને રૂ. 36,500ની ચુકવણી કરવામાં આવી હતી. જ્યારે તાલુકામાં કુલ 283 પશુના મરણ નોંધાયા હતા. જે પેટે 69 પશુ માલિકને રૂ. 21,62,000ની સહાય ચૂકવી દેવાઈ છે. મુંદરા તાલુકામાં પૂરમાં તણાવાની સાથે સાથે ઠુંઠવાઈને પશુઓના મૃત્યુ પામવાના કિસ્સા વધુ નોંધાયા છે. તાલુકાના સર્વેમાં લગભગ 8 ટીમે બે દિવસ અવિરત કામ કર્યું અને સીધી રકમ લાભાર્થીના બેંકમાં જ જમા કરવામાં આવી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang