ભુજ, તા. 5 : જિલ્લાભરમાં પર્યુષણ પર્વ
નિમિત્તે યોજાયેલા વિવિધ?કાર્યક્રમમાં ભાવિકો જોડાયા હતા. ભુજના આરાધના ભવન જૈન સંઘ
દ્વારા ચાતુર્માસ નિશ્રા દાતા વિજયજી મ.સા. આદિ સાધુ-સાધ્વીજી ઠાણા-16ની હાજરીમાં મહાવીર
સ્વામીની શોભાયાત્રા બોર્ડિંગ સંકુલથી નીકળી હતી. પાંચમા દિવસની વ્યાખ્યાન માળામાં
વિજયજી મ.સા.એ મહાવીર સ્વામીના કલ્પસૂત્રમાંથી બેફામ ભોગવટા અને અસંતુલિતતા તરફ ધકેલાઇ
રહેલી દુનિયાને `રૂક જાવ'નો
બોધ આપી સુખી બનવા માટે મહાવીરે બતાવેલા `અપરિગ્રહ'રૂપી મહિમા સમજી તેને આત્મસાત કરવા આહવાન કર્યું હતું.
સંઘ દ્વારા બોલાયેલ ઉછામણીમાં મહાવીર પ્રભુને ઘેર પધરાવવાનો લાભ જ્યોતિબેન એ. ડી. મહેતા
પરિવારે લીધો હતો. પરમાત્માની અંગ રચના, દેરાસર શણગાર, પારણું ઝુલાવવું વગેરે અનુષ્ઠાનો
યોજાયા હતા. સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલ મહેતા, માનદ મંત્રી ચંદુભાઇ ગઢેચા, હોદ્દેદારો,
ટ્રસ્ટી મંડળ, ભાવિકો સહિત કનકભાઇ મહેતા, ભરત
મહેતા ઉપસ્થિત રહ્યા હતા તેવું વી. જી. મહેતાની યાદીમાં જણાવાયું હતું. ભુજમાં ક.વિ.ઓ.
જૈન સંઘ સંચાલિત ભગવાન મુનિસુવ્રત સ્વામી જિનાલય, નવનીત નગર / કોવઇ નગર ખાતે જીગર તારાચંદ
છેડાના માર્ગદર્શન હેઠળ પ્રભુની કચ્છી ભરતકામની આંગી કરાઇ હતી. ઉમેદનગર ખાતે
વાસુપૂજ્ય ભગવાનની આંગી કરાઇ હતી. માંડવીમાં શિતલ-પાર્શ્વ જિનાલયના કલાપૂર્ણમ આરાધના
ભવન ખાતે જૈનાચાર્ય યશોવિજયસૂરિશ્વરજી મ.સા. આદિ સાધુ-સાધ્વીજીની ઉપસ્થિતિમાં તપગચ્છ
જૈન સંઘના ઉપક્રમે સ્વપ્ના મહોત્સવ ઉજવાયો હતો. પ્રભુજીના મુનિમજી બનવાનો લાભ મહેતા
તરૂણભાઇ પરિવાર, પ્રભુજીના પારણાની ઘરે પધરામણી પુષ્પાબેન પ્રભુલાલ સંઘવી પરિવાર,
14 સ્વપ્ન ઉમટાવવાનો લાભ હાર્દિકભાઇ બોરીચા, પ્રભુજીને પારણામાં પધરાવવાનો લાભ સોલંકી
રમેશ પરિવાર, પારણામાં શ્રીફળ પધરાવવાનો લાભ મણિબેન હીરજી સંઘવી પરિવાર તેમજ પ્રભુજીના
પારણાને ઝુલાવવનો લાભ શાંતિબેન ઇશ્વરલાલ શાહે લીધો હતો. જૈનાચાર્ય યશોવિજયસૂરિશ્વર
મ.સા.એ જન્મદિવસ તથા લગ્ન દિવસની ઉજવણી હોટેલના બદલે સાધર્મિક ભક્તિથી કરવા કહ્યું
હતું. ઉપરાંત કલાપૂર્ણમ આરાધના ભવનમાં સિદ્ધિ તપની તપસ્યાના પારણોત્સવ પ્રસંગે સામૂહિક
સાંજી, સામૂહિક મહેંદી રસમ તથા સિદ્ધિ તપની પત્રિકા લેખનનો કાર્યક્રમ યોજાયો હતો તેવું
તપગચ્છ જૈન સંઘના પ્રમુખ?ચંદ્રેશભાઇ શાહ તથા દિનેશભાઇ?શાહની યાદીમાં જણાવાયું હતું.
સ્થાનકવાસી છ?કોટિ જૈન સંઘમાં મહાસતી ચંદ્રાવતીબાઇ સ્વામીના શતાબ્દી વર્ષમાં તેમના
જ શિષ્યો કુમુદપ્રભાબાઇ મહાસતી, હંસાબાઇ?મહાસતી, પ્રતિભાબાઇ મહાસતી આદિઠાણા-7ની હાજરીમાં
કલ્પસૂત્રના પાના વહોરાવવાનો લાભ ઉષાબેન મહેશભાઇ?શાહ હસ્તે ચૈતાલીબેન પુનિત શાહે લીધો
હતો. મહાસતીજીએ કલ્પધરના દિવસોનું મહત્ત્વ સમજાવી સેવા, વૈયાવચ્ચ જ્ઞાન, દર્શન, ચારિત્ર,
તપના ભાવ હશે તો મોક્ષ?મેળવી શકાશે તેવું જણાવી તપમાં જોડાવવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત
બહેનો માટે મોબાઇલ ગેમ તથા બીજા દિવસે કલ્પસૂત્રના પાના વહોરાવવાનો લાભ સૂરજબેન હરિલાલ
બાબરિયા પરિવારના હસ્તે અશ્વિનાબેન રોહિતભાઇ?બાબરિયાએ લીધો હોવાનું સંઘ પ્રમુખ પુનિતભાઇ
શાહે જણાવ્યું હતું. મુંદરામાં તપગચ્છ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે મુક્તિશ્રમણવિજયજી
મ.સા. તથા મુક્તચરણવિજયજી મ.સા.ની હાજરીમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણકનો વરઘોડો નીકળ્યો
હતો. લાભાર્થી વોરા ચંદનબેન ચુનિલાલ પરિવારના નિવાસસ્થાને પૂર્ણાહુતિ કરાઇ હતી. તપગચ્છ
જૈન સંઘના પ્રમુખ હરેશભાઇ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ભુજમાં છેલ્લા 14 વર્ષથી સ્વ. ચેતન
મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત, જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન
મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી પર્યુષણા મહાપર્વના શુભારંભે
પ્રથમ 3 દિવસમાં વિવિધ સેવાકાર્યો હાથ ધરાયાં હતાં. દરરોજ શ્વાનોને દૂધ-રોટલી-લાડુ,
પક્ષીને 5 બાચકા ચણ, ગૌવંશને સૂકાચારા, ખોળ, ભૂંસો, ગોળના લાડુ આદિ જીવદયાના કાર્યો
કરાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ કે હંગામી આવાસોમાં વસવાટ કરતા 600 જેટલા
શ્રમજીવી પરિવારના બાળકો-માતાઓ વિગેરેને મિષ્ટાન-ફરસાણ વિગેરેનું વિતરણ કરાયું હતું
તેમજ નવાં વત્રોની સોગાદ આપવામાં આવી હતી તેમજ મેન્ટલ હોસ્પિટલ, રામદેવ સેવાશ્રમ, પાર્વતીબેન
જી. ગડા સંકુલ રાપર તેમજ અન્ય સંસ્થાઓના 150 જેટલા દિવ્યાંગ, મનોરોગી વિગેરેને ભાવતાં
ભોજન અપાયાં હતાં. માંડવી તપગચ્છ જૈન સંઘમાં મહાવીર પ્રભુજીનું પારણું ઘરે પધરાવવાનો
લાભ પુષ્પાબેન પ્રભુલાલ સંઘવી પરિવારે લીધો હતો.
જૈનાચાર્ય યશોવિજયસૂરિશ્વરજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં ચતુર્વિધ સંઘ સાથે
મહાવીર પ્રભુજીનું પારણું સંઘવી પરિવારના ઘરે પધરાવાયું હતું. રાત્રે પ્રતિક્રમણ બાદ
માંડવીના પાંચેય ગચ્છના ભાવિકોએ બહોળી સંખ્યામાં પારણાના દર્શન કર્યા હતા.