• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

સુંદરપુરીમાં ગટર સમસ્યા મુદ્દે સુધરાઇ તંત્ર દોડતું થયું

ગાંધીધામ, તા. 5 : અહીંના નવી સુંદરપુરી વિસ્તારમાં ગટર લાઈન ઊભરાતાં દૂષિત પાણી રોડ પર ભરાઈ ગયાં હતાં. જેથી એક દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકોએ સુધરાઇ કચેરીમાં જવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે આ અંગેની જાણ થતાં મોડી રાત્રિના કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા અને દૂષિત પાણીનો નિકાલ કરાયો હતો.   શહેરના નવી સુંદરપુરી વિસ્તારમાં આવેલી પંચાયતી પ્રાથમિક શાળા અને ઈમામ ચોક ખાતે ગટર સમસ્યાએ ગંભીર રૂપ ધરી લીધું હતું. દૂષિત પાણી ઊભરાઈને રોડ પર આવી ગયું હતું, જેથી શાળાએ જતાં કુમળી વયનાં બાળકો તેમજ સ્થાનિકોને નાકના ટેરવા ઊંચા કરી નાખે એવા દુર્ગંધ ફેલાવતાં પાણીમાંથી પસાર થવું પડતું હતું. ત્યારે ગટર સમસ્યાનું નિવારણ લાવવા સુધરાઇના જવાબદારોને જાણ કરાઇ હતી તેમજ એક દિવસમાં આ મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો સ્થાનિકોએ નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવાની તૈયારી દર્શાવી હતી. લોકરોષ ભાળી ગયેલા સુધરાઇના સત્તાધીશોએ રાતોરાત ટીમોને દોડાવી હતી. કર્મચારીઓ દ્વારા જાટિંગ મશીન લગાડી દૂષિત પાણીનો નિકાલ કરાયો હતો.  આ અંગે સ્થાનિક આગેવાન અને ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી લતીફ ખલીફાએ જણાવ્યું હતું કે, પાલિકા કચેરીમાં મોરચો આવવાનો હોવાના સંદેશ ફરતા થતાં અધિકારીઓના ફોન રણકતા થઈ ગયા હતા અને રાત્રે કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang