ગાંધીધામ, તા. 4 : આ શહેર
અને સંકુલમાં નગરપાલિકા લોકોને સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડી રહી છે. ઊભરાતી ગટરની
સમસ્યા, રખડતા ગૌવંશ, જાહેર શૌચાલયોની સાફસફાઈ સહિતની સુવિધાઓ અહીંના લોકોના નસીબમાં
જ નથી. તેવામાં શહેરના હંમેશાં ધમધમતા અહીંના સેક્ટર 9/સી ટ્રાન્સપોર્ટ નગરની હાલત
નર્કાગારમાં ફેરવાઇ ગઇ છે. અહીંના માર્ગો પરથી પસાર થતી વેળાએ લોકોના આંતરડા ઊંચા આવી
જાય છે, તો વળી સમ ખાવા પૂરતી ક્યારેય સફાઈ પણ કરવામાં આવી નથી, જેના લીધે વેપારીઓ
મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ઔદ્યોગિક પાટનગર
ગણાતા આ સંકુલના મુખ્ય ધંધાઓ પૈકી ટ્રાન્સપોર્ટ પણ મહત્ત્વનો છે. આ વ્યવસાય થકી અહીં
હજારો લોકો રોજીરોટી મેળવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટની કચેરીઓ, ટ્રક, ડમ્પર, ટેન્કર,
ટ્રેઇલર વગેરે વાહનોના ગેરેજ તથા તેની વિવિધ સામગ્રી, પૈડાંની દુકાનો, હોટેલ, લોજ વગેરે
સેકટર-9 સી., ટ્રાન્સપોર્ટનગરમાં આવેલા છે. આ તમામ ધંધા થકી હજારો લોકોને રોજગારી સાંપડી
રહી છે. આ ઉપરાંત સ્ટેટ જી.એસ.ટી. - પેટા તિજોરી
કચેરી, પેટ્રોલ પમ્પ, રેલવેની કચેરી વગેરે પણ આવેલાં છે, પરંતુ અહીં છેલ્લે ક્યારે
રોડ બન્યો હતો તે કોઈને યાદ નથી. કારણ કે વર્ષો પહેલાં આ વિસ્તારમાં માર્ગ બનાવાયા
હતા. તે બાદ પાલિકા ભૂલી જ ગઈ છે. અહીંના વેપારીઓ દ્વારા તમામ વેરા ભરવા છતાં નગરપાલિકાએ
દર્શાવેલી ઉપેક્ષાને કારણે વર્ષોથી કોઈ પાયાની સુવિધા પહોંચતી જ નથી. આ વિસ્તાર સુધરાઇની હદમાં ન આવતો હોય તેમ અહીં ગટરની
લાઈનો પણ નખાઇ નથી. હજારો લોકો કામ કરે છે તેવા આ વિસ્તારમાં પાણીની લાઈન પણ નથી, જેના
કારણે લોકોને પાણી મગાવવું પડે છે. આ વિસ્તારના માર્ગ એટલા સારા છે કે પાણીની બોટલની
ફેરી કરવાવાળા અહીં આવતા ખચકાય છે. આ વિસ્તારમાં દુકાન ચલાવનારા લોકોએ કહ્યું હતું
કે, તે બપોરે જમી લીધા બાદ આ માટે વાકિંગની જરૂરત રહેતી નથી, ખાલી વાહન લઈને માર્ગ
ઉપર એક ચક્કર લગાવાય એટલે બધું પચી જતું હોવાની ટીખળ કરી હતી. રોષે ભરાયેલા લોકોએ કહ્યું
કે, આ વિસ્તારના માર્ગો પરથી પસાર થતી વેળાએ આંતરડા બહાર આવી જતાં હોય છે. આ વિસ્તારમાં
સમ ખાવા પૂરતી ક્યારેય સફાઇ કરવામાં આવી નથી. લોકો સફાઈ વેરો અને ખાસ સફાઇ વેરો ભરતા
હોવા છતાં આ વિસ્તારને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યો છે. રાત્રિના ભાગે અહીંથી તાતિંગ વાહનો દોડતાં હોય છે
તેમજ શ્રમિક લોકો ઘરે જતા હોય છે, ત્યારે દીવાબત્તીના અભાવે અનેક વખત જીવલેણ અકસ્માતો
પણ સર્જાયા છે અને ચોરીના બનાવો પણ બન્યા છે. અહીં ગટરની લાઇનો ન બિછાવાઈ હોવાથી લોકોને
લઘુશંકા કે શૌચક્રિયા માટે જાહેરમાં બેસવાની ફરજ પડતી હોય છે. આ વિસ્તારમાં બે જાહેર
શૌચાલય છે, પરંતુ તેમાં સાફસફાઈના અભાવે અમુક જ લોકો જ તેનો લાભ લેતા હોય છે. નાગરિકોએ
જણાવ્યું હતું કે, અહીં માત્ર દુકાનો, ઓફિસો આવેલી હોવાથી રાજકારણીઓ માટે મતદારો નથી.
એટલે પોતાને મત તો મળવાના નથી તેથી આ વૃત્તિના કારણે અહીં વિકાસના કાર્યો કરાતાં નથી.
સત્તાપક્ષ તો ધ્યાન આપતો નથી, પરંતુ અમારા માટે વિરોધ પક્ષે પણ ક્યારેય રજૂઆતો ન કરી
હોવાનું લોકોએ જણાવ્યું હતું. નગરપાલિકાની હદમાં જ આવતા આ વિસ્તારને પોતાનો માનીને
અહીં પ્રાથમિક સુવિધાઓ આપવા લોકોએ માંગ કરી હતી.