ભુજ, તા. 4 : કચ્છમાં અતિભારે વરસાદના રાઉન્ડ બાદ ત્રણેક દિવસના
વિરામ બાદ મંગળવારથી ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. મંગળવારે એકથી અઢી ઇંચ બાદ
બુધવારે નખત્રાણામાં એક, માંડવીમાં અડધો ઇંચ સાથે અન્ય ચાર તાલુકામાં ઝરમર રૂપે વરસાદે
પોતાની હાજરી પુરાવી હતી. હવામાન વિભાગે છઠ્ઠી તારીખ સુધી મધ્યમ-ભારે વરસાદ વરસવાની
આગાહીને યથાવત્ રાખી છે. જિલ્લામથક ભુજ સહિતના વિસ્તારમાં વાદળો-તડકાની સંતાકૂકડી વચ્ચે
વાતાવરણમાં પુન: એકવાર ઉકળાટ અનુભવાયો હતો. સૌરાષ્ટ્ર પર સર્જાયેલું સર્ક્યુલેશન વિખેરાતાં
વરસાદની તીવ્રતા ઘટવાનું અનુમાન કેટલાક હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કર્યું છે. નખત્રાણા
તાલુકામાં બપોર બાદ વરસેલી ભાદરવાના ભૂસાકાની મેઘસવારીથી એક ઇંચ વરસાદ પડતાં નગરમાં
જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. મોટી વિરાણી, વાંઢ, રામેશ્વર, પખડા, ડુંગર વિસ્તારમાં
વરસાદી ઝાપટાં આવતાં સારા એવાં પાણી વહ્યાનું અદ્રેમાનભાઇ સમેજાએ કહ્યું હતું. બપોરે 11થી 12 વાગ્યા દરમ્યાન સાંગનારા, બેરૂ, સુખસાણ,
અંગિયા, નાગલપર વિસ્તારમાં એક ઇંચ વરસાદ વરસ્યાનું અરવિંદભાઇ?ઠક્કરે જણાવ્યું હતું.
દેવીસર, ભીમસર, ભૂખી ડેમ વિસ્તારમાં વરસાદના વાવડ શૈલેશભાઇ આઈયાએ આપ્યા હતા. ધામાય
ગામે અડધો કલાકમાં ધોધમાર ઝડીરૂપે અડધો ઇંચ વરસાદ પડયાનું ઉપસરપંચ જગદીશસિંહે જણાવ્યું
હતું. દરમ્યાન, નખત્રાણાના ઝીલ રેસિડેન્સી વિસ્તારમાં ચાર ફૂટ લાંબો મગરમચ્છ ઘૂસી આવતાં
રહેવાસીઓમાં ભય ફેલાયો હતો. નાગલપર, અંગિયા, બેરૂ, મોસુણા, ગંગોણ, નારણપર, રામપર (રોહા),
પિયોણી, સમંડા, જાડાય સહિતનાં ગામોમાં અડધાથી પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. સતત વરસાદથી
નખત્રાણા પંથકમાં ખેતી માટે લીલો દુકાળ થવાની ચિંતા વર્તાય છે. માંડવીના અહેવાલ અનુસાર
એકાદ દિવસ સૂર્યનારાયણનાં દર્શન બાદ મેઘરાજાએ પોતાની આણ બરકરાર રાખતાં ગત રાત્રિએ વધુ
અડધો ઇંચના છાંટણા કરતાં જળભરાવ ઉલેચવાની કામગીરીમાં થોડો અવરોધ ઊભો થયો હતો. કંટ્રોલ
રૂમમાંથી ભૂપેન્દ્ર સલાટે આપેલી જાણકારી પ્રમાણે વિવિધ?નીચાણવાળી સોસાયટીઓમાં ડિવોટરિંગ
પમ્પો રાઉન્ડ ધ ક્લોક ચાલુ હોવાથી વરસાદનું પાણી ઓછું થઇ રહ્યું છે. આ વચ્ચે ધંધાકીય
નુકસાનીના વળતર માટે સરકાર-તંત્ર પાસે માગણી
કરાઇ?છે. બંદરીય શહેરમાં મોસમનો વરસાદી એકંદર આંક 68 ઇંચ પર પહોંચ્યો છે. જિલ્લા કંટ્રોલ
રૂમમાંથી મળેલી સત્તાવાર આંકડાકીય વિગત અનુસાર નખત્રાણામાં 13 મિ.મી., રાપરમાં છ મિ.મી.,
ભચાઉમાં ચાર મિ.મી., અંજારમાં ત્રણ?મિ.મી. અને મુંદરામાં એક મિ.મી. વરસાદની નોંધ થઇ
હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર સર્ક્યુલેશન તો વિખેરાઇ રહ્યું છે પણ ચોમાસું સક્રિય
અવસ્થામાં હોવા સાથે હજુ રાજ્ય પર સિયર ઝોન
છવાયેલો હોતાં આ બંને સિસ્ટમની અસરથી હવામાન વિભાગે વરસાદ વરસવાની શક્યતા જોવા મળી રહી છે. અબડાસાના વાડાપદ્ધરમાં
મૃત પશુઓના નિકાલ માટે ખાડા ખોદવા મયૂરસિંહ જાડેજા દ્વારા જેસીબી અપાયું હતું. ગામના
અગ્રણી અરવિંદ શાહનો સહયોગ મળ્યો હતો. રાપરમાં નવાપરા વિસ્તારમાં જોરદાર ઝાપટું પડયું
હતું તો નગરમાં પણ બપોરે અઢી વાગ્યે વરસાદી ઝડી વરસતાં રસ્તા પર પાણી વહી નીકળ્યાં
હતાં. ભચાઉમાં સવારે 11.30 કલાકે અને સાંજે 7 વાગ્યે જોરદાર ઝાપટાં સ્વરૂપે વરસાદ પડયો
હતો. ઝાપટાંથી અડધો ઇંચ વરસાદ થયાનું અનુમાન વ્યક્ત કરાયું છે. સામખિયાળીમાં રાત્રે
7.45 વાગ્યે છાંટા, તો કડોલમાં મંગળવારે બે ઇંચ જેવો વરસાદ થયાનું પાબુદાદા જગ્યાના
મહંત પચાણભાઇ રબારીએ કહ્યું હતું.