અર્પિત ગંગર દ્વારા : મુંબઇ, તા. 6 : ગુજરાતી જનમાનસમાં
વસી ગયેલું નામ બની ગયેલા અને ઇન્સ્ટાગ્રામ પર 12 લાખથી વધુ ફોલોઅર ધરાવતા ખ્યાતનામ
વક્તા સંજય રાવલે પોતાની નોંધપાત્ર કારકિર્દીમાં પ્રથમવાર મહાનગર મુંબઇની મેદનીને સંબોધન
કરી પ્રેરણાના બીજ રોપ્યા ત્યારે અનોખો માહોલ સર્જાયો હતો. 2300થી વધુ કાર્યક્રમોમાં
વક્તા તરીકે પ્રભાવિત કરતી છબી ઉપસાવી ચૂકેલા સંજયભાઇના `જીવન એક ઉત્સવ' શીર્ષક સાથે ભારતીય વિદ્યાભવનમાં
યોજાયેલા `સંજય રાવલ
લાઇવ શો'નો લાભ 250થી વધુ લોકોએ લીધો હતો. સંજયભાઇએ સંયુક્ત પરિવારની પ્રથાને શ્રેષ્ઠ
ગણાવી હતી અને જીવનની ઉજવણી કરવાની શીખ આપી હતી. એક ગરીબ સ્થિતિના પરિવારમાં જન્મેલા
વિચારશીલ વક્તા સંજય રાવલે મોટિવેશનલ સ્પીકર તરીકે સફળતા, લોકપ્રિયતા મળવીને પહેલાં
15 વખત વિવિધ વ્યવસાયો છોડયા હતા. આ કાર્યક્રમમાં મુંબઇગરાઓને સંબોધતાં સંજય રાવલે
`સંયુક્ત પરિવાર'માં સાથે રહેવાના મહિમાને
સમજાવવા માટે દ્રાક્ષનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દ્રાક્ષની ખરીદી
ત્યારે જ લોકો કરે છે, જ્યારે દ્રાક્ષ ઝૂમખામાં હોય, મતલબ કે સાથે હોય. જીવન ખૂબ સરળ
છે, પરંતુ એ આપણે સૌ છીએ જેમણે બિનજરૂરી રીતે જીવનને જટિલ બનાવી દીધું. જીવનની પ્રક્રિયાનો
આનંદ લેવો જોઇએ. દરેક વ્યક્તિ અલગ છે, દરેકના આંગળાની છાપ અલગ છે. અરે, એક જ વૃક્ષનાં
પાંદડાં પણ અલગ-અલગ હોય છે. તમે પર્વતની ટોચે પહોંચી શકો, પરંતુ ત્યાં ધ્વજ ખોડીને
પછી પાછા નીચે આવવું જ પડશે. કોરોના સંકટના સમયે સૌને પરિવારની સાથે રહેવાની તક આપી.
તમે જે કંઇ કરો તેમાં તમારું શ્રેષ્ઠ આપો, સદાય ઇશ્વરમાં આસ્થા રાખો અને હંમેશાં માવતરને
માન આપો તેવી સલાહો સંજય રાવલે આપી હતી. એક મહત્ત્વની વાત કરતાં તેમણે કહ્યું હતું
કે, મૃત્યુ માટે તૈયાર છે તે જીવનમાં સફળ થઇ શકશે. માવતર સિવાય કોઇ અન્ય તમારી સહાયતાની
ઇચ્છા નહીં રાખે. સંજયભાઇએ સુંદર વાત કરી હતી કે, જેમનું માથું માતા-પિતા સામે એકવાર
નમે ને... બસ, તેમને સમગ્ર જીવનમાં અન્ય કોઇ સામે માથું નમાવવું નહીં પડે. મા, માતૃભાષા
અને માતૃભૂમિને અનુસરશો તો જીવનમાં તમે બધું જ મેળવી શકશો તેવો ભાવ તેમણે વ્યક્ત કર્યો
હતો. પાપ-પુણ્યની સુંદર રીતે સમજ આપતાં વિચારશીલ વક્તાએ કહ્યું હતું કે, બીજાને બતાવવા
કરો તેને કહેવાય પાપ અને પોતાને બતાવવા કરો તે પુણ્ય કહેવાય. આપણા દુ:ખોથી લોકોની દુકાન
ચાલે છે. સંજય રાવલે 90 મિનિટના ભાષણમાં આવી શાખવા, સમજવા, અનુસરવા જેવી સલાહો આપી
હતી. નિર્માતા ભરત નારાયણદાસ ઠક્કર, સહનિર્માતા મનીષ પટેલ, પ્રસ્તુતકર્તા વિશાલ રમેશચંદ્ર
ગોરડિયા, સંચાલક પ્રણવ ત્રિપાઠી તેમજ જય દેસાઇએ સંજય રાવલના વક્તવ્યને વખાણતાં જણાવ્યું
હતું કે, સંજયભાઇના શબ્દો, સમજ આપવાની શૈલીમાં લોકોનાં જીવન પર પ્રભાવ પાડી, સકારાત્મક
પરિવર્તન લાવવાની ક્ષમતા છે. આ કાર્યક્રમને જબરી સફળતા મળી હતી. તમામ પ્રેરણા આપે તેવા
સૂત્રો, વાક્યો, ઉદાહરણોએ શ્રોતા સમુદાય પર પ્રભાવશાળી અસર ઊભી કરી હતી. અંતમાં, સંજય
રાવલે મુંબઇમાં આવા પ્રકારના વધુ કાર્યક્રમો કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. - ભરત નાયરાયણદાસ
ઠક્કર (નિર્માતા) : `દરેકનાં જીવનમાં સમસ્યાઓ હોય છે. સંજયભાઇ પાસે શબ્દોની મદદથી
લોકોના માનસમાં બદલાવ લાવવાની તાકાત છે.' - પ્રણવ ત્રિપાઠી (સંચાલક) : `લોકોમાં
હતાશા વધી રહી છે, ત્યારે આવા કાર્યક્રમો જીવનમાં સારો બદલાવ લાવવામાં ઉપયોગી થશે.'
- સંજય રાવલ
(મુખ્ય વક્તા) : `જેમનું માથું માતા-પિતા સામે એકવાર
નમે તેમને જીવનમાં અન્ય સામે શીશ નમાવવું નહીં પડે.' - વિશાલ
રમેશચંદ્ર ગોરડિયા (પ્રસ્તુતકર્તા) : `સંજયભાઇ સમસ્યાઓ સામે લડવામાં સફળ
થયા. આ કાર્યક્રમો મનોરંજન સાથે પ્રેરણા આપે છે.' - જય દેસાઇ : `સંજયભાઇના
શબ્દો સૌને હતાશા સામે લડવામાં મદદ કરશે, સૌને પ્રોત્સાહિત કરશે.'