• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

આજતકના મહિલા પત્રકાર ના. સરોવર પહોંચ્યા

ભુજ, તા. 6 : આજતક ટીવી ન્યૂઝના મહિલા સંવાદદાતા શ્વેતાસિંહ બે દિવસથી કચ્છમાં છે અને સીમા સુરક્ષા દળના જવાનોનો સીમા પર પહેરો અને જવાનોની કામગીરીના હેવાલ અર્થે કચ્છની સરહદ ખુંદી વળ્યા છે, ત્યારે આજે તેઓ નારાયણ સરોવરમાં ભગવાન ત્રિવિક્રમરાયજીનાં દર્શન કરી જાગીર અધ્યક્ષા સોનલલાલજી મહારાજ સાથે મુલાકાત કરી હતી. 15મી ઓગસ્ટના પ્રસારણ થનારા વંદે માતરમ એપિસોડ માટે શ્વેતાસિંહ દેશમાં જુદી-જુદી સરહદો પર જઈને રીપોર્ટિંગ કરે છે. તેના ભાગરૂપે કચ્છ સીમા પર પહોંચ્યા હતા. કચ્છમાં સીમા સુરક્ષા દળની કામગીરી નિહાળવા અને રીપોર્ટિંગ કરીને પરત ફરતાં ના. સરોવરમાં સોનલલાલજી સાથે વાત કરતાં જાગીર અધ્યક્ષા પોતે પણ કચ્છમિત્રમાં આ વિસ્તારનું વર્ષોથી પ્રતિનિધિત્વ કરે છે એ જાણીને આશ્ચર્ય વ્યક્ત કરી ખુશ થયા હતા. તેમણે ના. સરોવરના મંદિરનો ઈતિહાસ અને દેશના પાંચ સરોવર પૈકી નારાયણ સરોવરના મહિમા અંગે પણ રસપૂર્વક જાણકારી મેળવી હતી. પંપા સરોવર, મીન સરોવર, બિંદુ સરોવર, પુષ્કર અને નારાયણ સરોવર આવી વિગતો અને તેનો મહિમા પણ જાણીને ભગવાનનાં દર્શન કર્યાં બાદ સરોવરની પૂજા કરાવી હતી. નારાયણ સરોવરના અભેદ કિલ્લા વિશે પણ તેમણે વિગતો મેળવીને શ્વેતાસિંહે પોતે બી.એસ.એફ.ની સ્ટોરી માટે અહીંની સરહદ, ક્રીક વિસ્તારમાં ગયા હોવાનું જણાવ્યું હતું. સરોવરની પૂજા બાદ ના. સરોવરના ભૂદેવોને મળી તસવીરો ખેંચાવી હતી. કચ્છની સરહદ પર વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિમાં બી.એસ.એફ.ના જવાનો રખોપું કરતા હોવાનું જાણવા મળ્યું છે અને એક પત્રકાર તરીકે તેમણે ખૂબ જ રસપૂર્વક આખાય વિસ્તારની મુલાકાત લીધી. દળના અધિકારીઓ સાથે બેઠક કરી હોવાનું વાતવાતમાં કહ્યું હતું. તેમણે અધ્યક્ષાને આટલી મોટી ગઢરાંગની દીવાલ શા માટે બનાવી હોવાનું પૂછયું હતું અને એક મંદિરના અધ્યક્ષા અને પત્રકાર આ બન્ને કામ કેવી રીતે કરો છો એવો સામો સવાલ કર્યો હતો. અંતમાં અધ્યક્ષાએ તેમનું પરંપરા પ્રમાણે ઉપવત્રથી બહુમાન કર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang