• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

શુક્રવારે ભુજિયા ડુંગર પર ભુજંગદેવનો મેળો

ભુજ, તા. 6 : વર્ષો જૂની રાજ પરંપરા મુજબ નાગપંચમી તા. 9/8ના રાજ પરિવારમાંથી 20 જેટલા પ્રતિનિધિ પૂજન વિધિ માટે પ્રાગમહેલ-દરબાર ગઢથી ભુજિયા ડુંગર જવા પ્રયાણ કરશે. ભુજિયા ડુંગર ઉપર ભુજંગદેવ ખેતરપાળ દાદાના મંદિરે કચ્છ નામદાર મહારાણી પ્રીતિદેવી સાહેબાના સૂચનાનુસાર પૂજા અર્ચના કુંવર ઇન્દ્રજિતાસિંહજી જાડેજાના હસ્તે સવારના 9.30 કલાકે કરાશે. ત્યારબાદ રાજપરંપરા મુજબ ભુજંગદેવના પૂજારી વાઘજીભાઈ સંજોટ કુંવરને તિલક કરશે. સર્વે જ્ઞાતિના લોકો ખેતરપાળ દાદાના દર્શન કરી ભુજંગદેવના આશીર્વાદ મેળવશે. આ નાગપંચમી મેળાનો ઇતિહાસ આ મુજબ છે. કચ્છ ઉપર વિદેશીઓના અવારનવાર આક્રમણો થતા હતા, આથી કચ્છના રક્ષણ માટે મહારાઓ ગોડજીએ ભુજિયા ડુંગર ઉપર કિલ્લો તેમજ ભુજને ફરતે કિલ્લો બનાવવાનું શરૂ કર્યું, આ કિલ્લાનું કામ મહારાઓ દેશળજી (પહેલા)એ પૂર્ણ કરાવ્યું, ઈ.સ. 1729, (વિ.સં. 1785) બરાબર તે જ સમયે અમદાવાદના શેર બુલંદખાને 50 હજારના લશ્કર સાથે ભુજ ઉપર ચડાઈ કરી. કચ્છના મહારાઓ દેશળજીના કુંવર લખપતજી અને રોહા જાગીરના ઠાકોર જિયાજીના સરદારી હેઠળ શેર બુલંદખાનના લશ્કર સાથે ભુજિયા ડુંગર ઉપર ઘમસાણ યુદ્ધ થયું, તે વખતે જયપુર (રાજસ્થાન)થી આવેલા, 9000 નાગાબાવાની જમાત બલુચિસ્તાનમાં હિંગલાજ માતાજીની યાત્રાએ જતા હતા અને ભુજમાં વિસામો લીધો હતો. તેમને આ વિદેશી આક્રમણની ખબર મળતાં તેઓ પણ આ યુદ્ધમાં ભુજના રક્ષણ માટે લડયા. રોહા જાગીરના ઠાકોર જિયાજીએ હાથો-હાથની લડાઈ કરતાં-કરતાં શેર બુલંદખાનની તલવાર છીનવી લીધી અને શેર બુલંદખાનને મારી હરાવ્યો. આમ આ ઘમસાણ યુદ્ધમાં કચ્છનો વિજય થયો હતો. તે શુભ દિવસ શ્રાવણ સુદ નાગપંચમીનો હતો. કચ્છના મહારાઓ દેશળજી (પહેલા)એ શાહી સવારી લઈ ભુજિયા ડુંગર ઉપર આવી, ખેતરપાળ દાદાની પૂજા-અર્ચના કરી અને સર્વે સેનાપતિઓનું સન્માન કર્યું અને શેર બુલંદખાનની તલવાર રોહા જાગીરના ઠાકોર જિયાજીને ભેટ કરી, તેનું બહુમાન કર્યું. આજે પણ આ તલવાર રોહા જાગીરના ઠાકોર પુષ્પેન્દ્રાસિંહજી પાસે સાચવજી છે. ત્યારથી આ વિજય મહોત્સવ દર વર્ષે ઊજવવામાં આવે છે. આ રાજ પરિવારની શાહી સવારી દરબાર ગઢથી નીકળતી અને ભુજિયા ડુંગર ઉપર જઈ ખેતરપાળ દાદાની પૂજા-અર્ચના કરવામાં આવતી. ઈ.સ. 1948 પછીથી ચાલી આવતી આ પરંપરા મુજબ કચ્છના અંતિમ નામદાર મહારાઓ પ્રાગમલજી ત્રીજા દર વર્ષે આ પૂજા-અર્ચનાની રાજ પરંપરા નીભાવતા હતા. આ વર્ષે કચ્છ રાજ પરિવારના મુખ્યકર્તા અને એમ.એમ. દેવસ્થાન એન્ડ અધર ચેરિટેબલ ટ્રસ્ટના ચેરપર્સન મહારાણી પ્રીતિદેવી સાહેબાના હુકમ અનુસાર, કુંવર ઇન્દ્રજિતાસિંહજીના હસ્તે આ પૂજા-અર્ચના કરાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang