કૌશલ પાંધી દ્વારા : ભુજ, તા. 4 : શહેરની જૂની શાકમાર્કેટ અને નવી શાકમાર્કેટમાં ટ્રાફિક સમસ્યાથી
શહેરીજનો ત્રસ્ત બન્યા છે. વાહનો તો દૂર લોકોને પગપાળા માર્ગ પસાર કરવામાં પણ દરરોજ
ધક્કામુક્કીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો ઊઠી રહી છે. નવાઇની વાત તો એ છે
કે જવાબદાર તંત્ર ધારે તો એક જ દિવસમાં આ સમસ્યા હલ થઇ જાય તેમ છે પણ?આ પ્રશ્ન ઉકેલવા
તંત્ર ઇચ્છતું જ ન હોય તેવું જાગૃતોને લાગી રહ્યું છે. ભુજની જૂની શાકમાર્કેટમાં સવારથી
સાંજ સુધી ખરીદારોની ભીડ?જામતી રહે છે. કોટ અંદરના વિસ્તારો માટે આ બજાર નજીક હોવાથી
ગ્રાહકો શાકભાજીથી માંડી અન્ય જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા અહીં આવતા હોવાથી ગિર્દી જામે
તે સ્વાભાવિક છે પણ આ બજારમાં માર્ગ પર ગોઠવાયેલા ફેરિયાઓ તેમજ દુકાનોની બહાર ગોઠવેલા
બાંકડાથી ટ્રાફિક સમસ્યા જટિલ બની જાય છે. બજારમાં ગિર્દી હોય પણ માર્ગ પર ગોઠવાયેલા
આવા ધંધાર્થીઓ સમસ્યામાં વધારો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂની શાકમાર્કેટને નવી બનાવાઇ, તેમાં સુવિધાઓ પણ ઊભી
કરાઇ. હાલ આ નવા સંકુલમાં 100થી વધુ શાકભાજીના બાંકડા ગોઠવાયા છે, પણ તેમાંથી પાંચથી
સાત બાંકડા પર જ ધંધાર્થી ગોઠવાયા છે અને બાકીના તમામ બજાર બહાર માર્ગ દબાણ કરી રાહદારીઓ-વાહનચાલકોને
નડતરરૂપ ગોઠવાઇ ગયા છે. લાખોના ખર્ચે રિનોવેશન
કરાયેલી શાકમાર્કેટ હાલમાં ધૂળ ખાઇ રહી છે અને
સમય જતાં ઉપયોગવિહીન આ બજાર જર્જરિત પણ બની જશે. જો બહાર ઊભતા લારીવાળાઓ અને શાકભાજીના
ધંધાર્થીઓને બજાર અંદર બેસવા ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા ફરજ પાળે તો સમગ્ર બજારનો
માર્ગ મોકળો થઇ જાય અને ટ્રાફિક સમસ્યા હલ
થઇ જાય પણ?યેનકેન કારણોસર આ કામગીરી કરવામાં જવાબદાર તંત્રને કોઇ રસ જ ન હોય તેવું જાગૃતોને લાગી રહ્યું છે. આવી જ સમસ્યા વાણિયાવાડ
બજારમાં પણ છે. નવી શાકમાર્કેટ તરીકે ઓળખાતી આ બજારમાં 46થી વધુ બાંકડા ઉપલબ્ધ છે,
પરંતુ આમાંથી અનેક બાંકડાનો ઉપયોગ ગોદામ તરીકે કરાતો હોવાનું જાગૃત નાગરિકોએ જણાવ્યું
હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અમુક બાંકડાઓ પર બાંધકામ કરી દુકાનનું રૂપ પણ આપ્યું
હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. સમગ્ર કચ્છમાંથી ખરીદારો આ બજારમાં આવતા હોય છે. નવું
બસ સ્ટેશન પણ શરૂ થઇ જતાં ગ્રામ્યજનો પણ મોટી
સંખ્યામાં બજારમાં આવતાં સવારથી મોડીસાંજ સુધી બજાર ટ્રાફિકથી ધમધમતી રહે છે અને શહેરીજનો તેમજ કચ્છમાંથી ખરીદારોને મુશ્કેલીનો સામનો કરવો પડતો
હોવાની ફરિયાદ ઊઠી છે. માર્ગો પર ઊભતા ધંધાર્થીઓને બજારની અંદર બેસવા ફરજ પડાય તો ટ્રાફિક
સમસ્યામાં મોટી રાહત સાંપડી શકે તેમ છે. તંત્ર આળસ ખંખેરી અને બંને બજારમાં ટ્રાફિકની
સમસ્યા હલ કરવા પ્રયત્નશીલ બને તેવી ભુજવાસીઓમાં લાગણી ફેલાઇ?છે.