• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

કચ્છના ચિત્રકાર 21 દિવસ ફ્રાન્સના મહેમાન બન્યા

ભુજ, તા. 4 : ઈન્ડો ગ્લોબલ ફ્રેન્ડશિપ એસોસિયેશન ગુજરાત તથા મહારાષ્ટ્રના સંયુક્ત પ્રયાસો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ 2024માં કચ્છના ચિત્રકાર પંક્તિ પાઠકની પસંદગી થઈ હતી. તેઓને 21 દિવસ ફ્રાન્સના મહેમાન બનવાની તક મળી હતી. આ પ્રવાસમાં તેમને ફ્રેન્ચ સંસ્કૃતિ, ખાનપાન, સંગીત, નૃત્ય તથા રહેણી-કહેણીનો ખૂબ નજીકથી અનુભવ કરવા મળ્યો હતો. તેઓએ લુવર તથા ઓર્સે તથા બીજાં અનેક મ્યુઝિયમો  નિહાળ્યાં  હતાં અને યુરોપિયન કલાના વારસા વિશે જાણવા તથા સમજવાની બહુમૂલ્ય તક મળી હતી. ફ્રાન્સનાં શાળા, કોલેજ, ખેતીવાડી તથા સમાજસેવી સંસ્થાઓની પણ મુલાકાતમાં જઈ ફ્રેન્ચ  વિદ્યાર્થીઓએ તથા નાના બાળકોએ ભારતીય સંસ્કૃતિ વિશે અનેક પ્રશ્નો પૂછી અને ભારતને સમજવાનો પ્રયાસ કર્યો હતો. ફ્રેન્ચ શહેર શારવીલ મેઝિરેસના મેયર સાથે પણ ભારતીય પ્રવાસી ટીમની મુલાકાત આયોજિત કરાઈ હતી. આ કાર્યક્રમમાં અન્ય 13 ભારતીયની પણ પસંદગી કરાઈ હતી. કચ્છના ચિત્રકારની પસંદગી થતાં કચ્છ માટે અત્યંત ગૌરવની વાત છે. ફ્રાન્સની ટીમે ભારતીય મિત્રોનું સ્વાગત કર્યું હતું અને તેઓએ ભારતીયોના યજમાન બની, ફ્રેન્ચ સંસ્કૃતિનો આસ્વાદ  કરાવ્યો હતો. ભારતના યોગ, ધ્યાન, કચ્છનાં  ચિત્રો, સંગીત દ્વારા ભારતીય સંસ્કૃતિનો પરિચય ફ્રેન્ચ લોકોને આપ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang