ગાંધીધામ, તા. 4 : હોટેલ રેડિશન, કલબ રેડિશન દ્વારા સતત બીજા વર્ષે આયોજીત ત્રિદિવસીય કલા મહોત્સવનું
આજે સમાપન થયું હતું. આજે દેશભરના કલાકારોએ તૈયાર કરેલી બેનમુન કૃતિઓનું પ્રદર્શન
યોજાયું હતું. આ પ્રદર્શનને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આ વેળાએ દેશના જાણીતા
બે કલાકારોએ પણ ખાસ ઉપસ્થિત રહીને આ મહોત્સવથી કચ્છની કલાને આગવી ઓળખ મળશે તેવી
લાગણી વ્યકત કરી હતી. આજે સવારે હોટેલ રેડિશનના બન્ની હોલ ખાતે દેશના જાણીતા કલાકારો અને સ્થાનિક કલાકારોએ તૈયાર કરેલી વિવિધ પ્રકારની
70 જેટલી કૃતિ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.
વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય,
દેશના જાણીતા ચિત્રકાર વૃંદાવન સોલંકી, આઈ.પી.એસ. અધિકારી અને ચિત્રકાર અજય ચૌધરી, ડી.પી.એ.ના ઉપાધ્યક્ષ નંદીશ શુકલા, ડો. ભાવેશ
આચાર્ય, શ્રીરામ ગ્રુપના બાબુભાઈ ભીમાભાઈ હુંબલ,
ભાવેશભાઈ ચાવડા વિગેરેના હસ્તે પ્રદર્શનનું ઉદઘાટન કરાયું હતું. આ વેળાએ ખાસ ઉપસ્થિત
રહેલા અને ગુજરાતની સંસ્કૃતિ ઉપર ચિત્રકૃતિઓનું
નિર્માણ કરતા વૃંદાવન સોલંકીએ આ મહોત્સવમાં
આવવા બદલ ખુશીની લાગણી વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે કચ્છની પોતાની એક આગવી
કળા છે. તેમાં નવા કલાવારસાનો સમન્વય થયો છે
તે બાબત ઐતિહાસિક છે. આ આયોજનથી કચ્છમાં કલાક્ષેત્રે આગવું પ્રદાન થશે તેવી લાગણી તેમણે
વ્યકત કરી હતી. અમદાવાદના એ.ડી.જી. અને ચાર દાયકાથી કલાના ક્ષેત્રમાં પણ સક્રિય અજય ચૌધરીએ આજે વૃંદાવન સોલંકી જેવા દેશના
ખ્યાતનામ કલાકાર સાથે કામ કરવાની તક મળી તે બદલ હર્ષની લાગણી વ્યકત કરી હતી. તેમણે
આયોજનને બિરદાવી આ મહોત્સવ થકી કચ્છને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળશે તેવો વિશ્વાસ
વ્યકત કરી ત્રણ દિવસ ભારતની કલા ગાંધીધામના
આંગણે સમાઈ ગઈ હોવાનો ભાવ વ્યકત કર્યો હતો. લોકલ અને ગ્લોબલનો સમન્વય કરાયો છે તે અંગે તેમણે આનંદ વ્યકત કર્યો હતો. બરોડાના કલાકાર
અમરનાથ શર્માએ દેશભરના કલાકાર સાથે કામ કરવાની તક મળી તે બદલ તેમણે હર્ષ વ્યકત કરી
આ મહોત્સવમાં આધુનિક કળા સાથે પ્રાચીન કળાનો સમન્વય કરાયો હોવાનું જણાવ્યું હતું. આજે રાત્રીના
9 વાગ્યા સુધી ચિત્રપ્રદર્શનને નિહાળવા મોટી
સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. આજે પ્રદર્શનના
ઉદઘાટન બાદ બન્ને જાણીતા ચિત્રકારો દ્વારા
મંચ ઉપર ચિત્રકૃતિનું ગણતરીના સમયમાં જ નિર્માણ
કર્યું હતું. જેને સૌએ રસપૂર્વક નિહાળી હતી. મહોત્સવના બીજા દિવસે સાંજે સાંસ્કૃતિક
કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ કલાકારોએ વિવિધ કૃતિઓ યોજી હતી. આ વેળાએ ઉપસ્થિત
રહેલા એરિયા રેલવે મેનેજર આશિષ ધાનિયા, રોમેશ
ચતુરાણી, અરૂણ કોઠારી વિગેરેને હોટેલ રેડિશનના
એમ.ડી. મુકેશ આચાર્યએ આવકાર્યા હતા. ઈ.બી.આર.ના રિધીમા અગ્રવાલે પ્રથમ વખત 70 જેટલી
કૃતિ પ્રદર્શનમાં મુકાઈ હોવાનું જણાવ્યું હતું. આ વેળાએ જી.ડી. ગોએન્કાના શંભુભાઈ હુંબલ, લોકેશ કુમાર શાહ, હિતેશ રામચંદાણી, નંદલાલ ગોયલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આયોજનમાં બાબુ દોગા, ગીરીરાજ કડીયા સહયોગી
બન્યા હતા.