• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

ભુજની જનરલ હોસ્પિટલમાં `ગોળીઓ' ધણધણી...!

ભુજ, તા. 31 : કચ્છના મુખ્ય મથકની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે આજે સાંજે છ વાગ્યે ચાર ત્રાસવાદીએ પાંચ હોસ્પિટલ સ્ટાફને બંધક બનાવી આતંકવાદી હુમલો કરતા ચેતક કમાન્ડો ફોર્સ તથા સંબંધિત સુરક્ષા એજન્સીઓએ તત્કાલ હોસ્પિટલને ઘેરીને સુરક્ષા ઓપરેશન અમલી કર્યું હતું. આતંકવાદીઓ સામે પાંચ કલાક જડબાતોડ કાર્યવાહી કરીને ચેતક કમાન્ડો ફોર્સે તથા એસઓજીએ સંયુક્ત કામગીરીમાં ચાર આતંકવાદીને ઠાર કર્યા બાદ 5ાંચ બંધકને સહી સલામત બચાવી હુમલાને નાકામ કર્યો હતો. જો કે, આ આતંકવાદી હુમલા સમયે સુરક્ષા એજન્સીઓ તથા જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી સુરક્ષા-બચાવની કામગીરી માટે આ આયોજિત મોકડ્રીલ હતી.  સાંજે છ વાગ્યે સિવિલ હોસ્પિટલમાં થયેલા આતંકવાદી હુમલાની જાણ હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફ  દ્વારા 100 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તત્કાલ અસરથી ક્વિક રિસ્પોન્સ ટીમ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોકલીને ગણતરીના સમયમાં જી.કે. જનરલ હોસ્પિટલને સુરક્ષાના સાધનો સાથે ઘેરી લેવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તત્કાલ ગાંધીનગર ખાતે ચેતક કમાન્ડો ફોર્સ, મરીન ટાસ્ક ફોર્સ, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ તથા અન્ય સલામતી તથા રાહત-બચાવ સાથે જોડાયેલા વિભાગોને જાણ કરાઇ હતી. હુમલાના દોઢ કલાકમાં એરક્રાફ્ટમાં ભુજ પહોંચેલી ચેતક કમાન્ડો ફોર્સે હુમલાને નાકામ બનાવવા ઇન્સિડન્ટ કમાન્ડ પોસ્ટને કાર્યરત કરીને સિવિલ હોસ્પિટલના હુમલાને નાકામ કરવા બચાવ ઓપરેશન અમલી કર્યું હતું, જેમાં  આતંકવાદીઓ સાથેના સંઘર્ષમાં એસઓજી તથા ચેતક કમાન્ડો ફોર્સે અંતે ચાર આતંકવાદીને ઠાર કર્યા હતા. આ સાથે તમામ પાંચ બંધકને સહી સલામત મુક્ત કરાવવામાં બે ડીવાયએસપી, ત્રણ પી.આઇ. સાથે 55 જવાન સાથેની ચેતક કમાન્ડો ફોર્સ સફળ રહી હતી. જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી બચાવની કામગીરી માટે આયોજિત મોકડ્રીલ અંતર્ગતના  આતંકવાદી હુમલાના ઘટનાક્રમમાં હોસ્પિટલમાં ચેતક કમાન્ડોની રેડ ટીમ કે જેણે આતંકવાદીઓની ભૂમિકા ભજવી હતી. જ્યારે બ્લૂ ટીમે બચાવ કામગીરી કરી હતી. પ્રથમ ઓપીડીથી દાખલ થયેલા રેડ ટીમ હેઠળના ચાર આતંકવાદીએ હોસ્પિટલના ડોક્ટર તથા નર્સિંગ સહિતના 5ાંચ સ્ટાફને બંધક બનાવ્યા હતા. આતંકવાદીઓએ બંધકોના ફોન પરથી પોલીસ કંટ્રોલરૂમ મારફતે વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને તત્કાલ રૂા. 200 કરોડ રોકડ, પલાયન થવા હેલિકોપ્ટર તથા તાજેતરમાં એટીએસે પકડેલા અને સાબરમતી જેલમાં બંધ ત્રણ આતંકવાદીને મુક્ત કરવા સહિતની માગણી કરી હતી. અધિકારીઓ દ્વારા આતંકવાદીઓ પાસે સમય આપવાની માગણી સાથે ફોનથી સતત સંપર્ક જાળવી રાખી તેઓનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. આ દરમ્યાન સિવિલ હોસ્પિટલ પહોંચેલી એસઓજીએ  ચાર આતંકવાદી પૈકી એકને ઠાર કર્યો હતો. ચેતક કમાન્ડો ફોર્સની બ્લૂ ટીમ જે બચાવ ટીમની ભૂમિકામાં હતી, તેણે કોલ આવતાં જ ઘટનાસ્થળે પહોંચીને પોતાની સ્થિતિ સંભાળી લીધી હતી. ગોળીબાર તથા બોમ્બ બ્લાસ્ટના સિલસિલાબંધ સંઘર્ષ બાદ અંતે બાકીના ત્રણ આતંકવાદીને ઠાર કરવામાં ચેતક કમાન્ડો ફોર્સ સફળ રહી હતી.  ચારે મૃતક આતંકવાદીની લાશ પોલીસને સોંપવામાં આવી હતી. આ આતંકવાદી હુમલાની મોકડ્રીલ હેઠળ તમામ સુરક્ષા એજન્સીઓ, પોલીસ વિભાગ, હોસ્પિટલ સિક્યોરિટી, સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મોકડ્રીલ ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સ્થાનિક પોલીસ તથા જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહીને યોજવામાં આવી હતી. આ મોકડ્રીલનો હેતુ આતંકવાદી હુમલા સમયે ઘાયલોને સારવાર, મદદ અને રાહત બચાવના પગલાઓ ઝડપથી લઈ શકાય અને જાનહાનિને ટાળી શકાય તેમજ હુમલાના સમયે જિલ્લા વહીવટીતંત્રના લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એકબીજાની સાથે સરળતાથી કોમ્યુનિકેશન કરી રાહત બચાવની કામગીરી ઝડપથી કરી શકે તે હતો.  સમગ્ર મોકડ્રીલ ચેતક કમાન્ડો ફોર્સના કમાન્ડર ડીવાયએસપી બી.કે. ગુંદાણી, ડી.વી. ગોહિલની આગેવાનીમાં કરવામાં આવી હતી. આ મોકડ્રીલ દરમ્યાન ઉપસ્થિત ડીવાયએસપી એ. ઝનકાત, ડીવાયએસપી રવિરાજાસિંહ જાડેજાએ આકસ્મિક પરિસ્થિતિમાં લેવામાં આવેલા નિર્ણયોને બિરદાવીને મોકડ્રીલમાં ભાગ લેનાર ચેતક કમાન્ડો ફોર્સ, તમામ સુરક્ષા એજન્સીઓ, હોસ્પિટલ સ્ટાફ, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ સહિતની સમગ્ર ટીમને અભિનંદન આપ્યાં હતાં.  મોકડ્રીલ દરમ્યાન ડીવાયએસપી પાર્થ ચોવટિયા, એસઓજી પી.આઇ. વિનોદ ભોલા, મરીન ટાસ્ક ફોર્સના પી.આઇ. આર.ડી. ઝાલા સહિત અધિકારીઓ તેની ટીમ સાથે જોડાયા હોવાનું માહિતી ખાતાની યાદીમાં જણાવાયું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang