• બુધવાર, 31 મે, 2023

જીવનશૈલીમાં બદલાવથી ડાયાબિટીસ નિયંત્રણમાં રાખી શકાય છે

ગાંધીધામ, તા. 25 : ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા બુજુર્ગો કા હમસફર શ્રેણી અંતર્ગત ગાંધીધામ ફેમિલી ફિઝિશિયન એસોસિયેશન દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ડાયાબિટીસ વિષયે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભમાં દિપપ્રાગટયમાં સરલાબેન, ગંગારામભાઈ અનમ,ખેતશીભાઈ સોની સહિતના જોડાયા હતા. ત્યારબાદ સંસ્થાના પ્રમુખ ડો. લિઓને સ્વાગત પ્રવચન આપ્યુ હતું. ડો.નરેશ જોષીએ મધુપ્રમેહ રોગ વિષયે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યુ હતું. પ્રશ્નોતરી વિભાગમાં ડો. કૌશિક પરમારે વડીલોના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે ડાયાબિટીસ એ ધીમું ઝહેર છે.આ રોગમાં બેદરકારીથી આંખના પડદા અને કિડનીને ગંભીર અસર થાય છે. હળવી કસરત, નિયમિત ચાલવુ, માનસિક તાણથી મુકિત અને જીવનશૈલીમાં બદલાવથી મધુપ્રમેહના દર્દીઓને શર્કરા સંયમિત માટે ખૂબ મદદરૂપ બને છે. લોહાણા સમાજના અગ્રણી અને સીતારામ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ મોહનભાઈ ધારશીએ સંસ્થાના આયોજનને બિરદાવીને વરિષ્ઠ નાગરિકો માટે આ જ પ્રકારે વારંવાર આ પ્રકારના આયોજન કરવા માટે ભાર મુકયો હતો. સંચાલન ડો. અશોક ઠકકરે અને આભારવિધિ ડો.રાજેશ ગોવલાણીએ કર્યુ હતું.