• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

પરમના નિવાસ માટે પ્રાસાદિક મંદિરોની પાવન પરંપરા

જ્વલંત છાયા, અબુધાબી-યુએઇ - તમારી મૂર્તિ વિના મારા નાથ રે, કંઈ બીજું મને આપશો મા... સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, હરિભક્તો કે સનાતન ધર્મના કોઈ પણ સંપ્રદાયમાં માનનાર વ્યક્તિની આખરી મનસા તો હોય છે. જેનું મુખ જોતાં માયા લાગે, જેના સ્મિતમાં સો સો ગીત રમતાં હોય, જેના દર્શન માત્રથી મન શાતા પામે એવા હરિવર, ઈશ્વર, આપણા ઠાકોરજી આપણને વ્હાલા છે અને તેમને રહેવા માટે તેમના દર્શન માટે આપણે મંદિરોની પાવન પરંપરા શરુ કરી. હિન્દુ મંદિરોનું સૌંદર્ય, સ્થાપત્ય, કળાત્મકતા વિશ્વખ્યાત છે અને તેમાં પણ બીએપીએસ, બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો તો ધર્મને સાથે ભારતની પુરાતન સ્થાપત્ય કળાના પણ વૈશ્વિક પ્રતીકો છે. પૂરા ભારત વર્ષ માટે આનંદનો વિષય છે કે હવે આરબ દેશ અબુધાબીમાં પણ આવું એક સુંદર અને કળાત્મક મંદિર આકાર લઈ ચૂક્યું છે અને બે દિવસ પછી તે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાશે. હજારો હરિભક્તો, સત્સંગીઓમાં ઉત્સાહ છે. ભારતથી જનારા અને યુએઈમાં વસતા લોકો માટે 14મી ફેબ્રુઆરી, 2024 વસંતપંચમીનો દિવસ શુકનવંતો તો ખરો , પરંતુ યાદગાર બની રહેશે. માતા સરસ્વતીના પૂજનનો દિવસ, શિક્ષાપત્રી પ્રાગટયનો પાવન દિવસ અબુધાબીના મંદિરના ઉદઘાટનનો દિવસ છે. જો કે અરબ દેશમાં મંદિર બની રહ્યું છે તેથી તેનું વિશેષ મહત્વ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેનું ઉદઘાટન-ભક્તાર્પણ કરવાના છે. મહંતસ્વામી મહારાજની પાવન નિશ્રામાં કાર્ય સંપન્ન થવાનું છે, પરંતુ શિખરબદ્ધ મંદિરો બાંધવાની બીએપીએસની પરંપરા તો દાયકાઓ જૂની છે અને તેમાં એક સોનેરી ઉમેરો છે. મંદિરના સ્થાપત્યના વિવિધ અંગોના મહત્વ ઋષિઓએ વર્ણવ્યાં છે. સ્વયં મંદિરને દેવસ્વરુપ ગણાવાયું છે. બીએપીએસના મંદિરો પણ ફક્ત સ્થાપત્ય કે કળાત્મક બાંધકામો નથી પરંતુ હિન્દુ ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને પરંપરા, વ્યસનમુક્તિ, પરિવારપ્રેમ, વિશ્વશાંતિના કેન્દ્રો છે. ઈશ્વરને રહેવા માટેના પ્રાસાદ એટલે કે મહેલો બનાવવાની પરંપરા જૂની છે. ભગવાન સ્વામિનારાયણે પોતાનું અવતાર કાર્ય આરંભ્યું ત્યારે શરુઆતમાં ગુરુ રામાનંદ સ્વામીના સમયથી ચાલી આવતી સદાવ્રત સેવાઓ વિસ્તારી પછી આહિંસક યજ્ઞો આગળ વધાર્યા અને ત્યાર બાદ ઉપાસના માટે મંદિરોની શરૂઆત કરી. સાધુ વિવેકસાગરદાસજી લખે છે, બીએપીએસના મંદિરો માનવીનું જીવન ઘડતર અને જીવન પરિવર્તન કરે છે. બાળકો અને યુવાનોનું સંસ્કાર રક્ષણ કરે છે. નૈતિકતાના પાઠ દૃઢ કરાવે છે. કૌટુંબિક મૂલ્યોની રક્ષા કરે છે. શરીર- સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રેરણા આપે છે. માનવીય મૂલ્યોની રક્ષા કરે છે અને પર્યાવરણની જાળવણી માટે આયોજનો કરે છે. અમદાવાદના કાળુપુર વિસ્તારમાં વિક્રમ સંવત 1878ના ફાગણ માસની સુદ ત્રીજે ત્રણ શિખરના મંદિરમાં નર-નારાયણની મૂર્તિઓ પધરાવવામાં આવી. સ્વામિનારાયણ ભગવાને જેની પ્રેરણા આપી હતી તેવી શુદ્ધ ઉપાસના માટે શાસ્ત્રીજી મહારાજે વડતાલથી પ્રસ્થાન કર્યું અને ઈસવીસન 1907માં બોચાસણમાં શિખરબદ્ધ મંદિર કરીને  અક્ષરપુરુષોત્તમ ભગવાનની મૂર્તિ પધરાવીને ઉપાસનાની શુદ્ધિ કરી. ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ પૂર્ણ થયો. શાસ્ત્રીજી મહારાજે બોચાસણ, સાળંગપુર, અટલાદરા, ગોંડલ અને ગઢડા એમ પાંચ મંદિર તો જોતજોતાંમાં બંધાવી દીધાં અને સાથે બીએપીએસનો એટલે કે એક પરંપરાનો આરંભ થયો. શાસ્ત્રીજી મહારાજના અનુયાયી યોગીજી મહારાજે અમદાવાદમાં અને ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટય સ્થાન ભાદરામાં શિખરબદ્ધ મંદિરો રચ્યા. યોગીજી મહારાજ એટલે કે હરિભક્તોના વ્હાલા યોગીબાપા અને તેમના શિષ્ય પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસના મંદિરોના નિર્માણની પરંપરાને વેગ આપ્યો. પ્રમુખ સ્વામીનું નામ મંદિરો બાંધવા સંદર્ભે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે. એક સમય હતો જ્યારે બીએપીએસએ દર દિવસે એક મંદિરનું નિર્માણ કર્યું હતું. ગાંધીનગરનું અક્ષરધામ રાજકોટનું ભવ્ય મંદિરથી લઈને અનેક મંદિરો તેના જીવંત દૃષ્ટાંત છે. પથ્થરોમાં કળાત્મક અને સર્જનાત્મક રીતે પરમેશ્વરના દર્શન મંદિરોમાં થાય છે. પ્રમુખ સ્વામીના માર્ગદર્શન અને નિશ્રામાં બીએપીએસના 1000 મંદિરો બંધાયાં છે. ભારતમાં ગુજરાતના મોટા શહેરોમાં, દિલ્હી મુંબઈ, કોલકત્તા, નાગપુર, પટણા, વિજયવાડા, ચેન્નઈ, પોંડીચેરી, બેંગ્લોર, ચાકુલિયા જેવડા શહેરોમાં પણ તેમણે મંદિરોનું નિર્માણ કરાવ્યું અને આદિવાસી વિસ્તારોમાં પણ મંદિરો બંધાવ્યા.ન્યૂઝીલેન્ડ, ન્યૂજર્સીમાં પણ બીએપીએસના મંદિરો છે. મંદિરોના શિખર પર દેખાતી, લહેરાતી ધજાઓ ફક્ત ધજા નથી. તે ફક્ત શિખરો નથી. ધજાઓ ભારતીય ધર્મ, સંસ્કૃતિ, પરંપરાના જીવંત પ્રતીક છે. બીએપીએસની શિખરબદ્ધ મંદિરોની પરંપરા હવે યુએઈ- યુનાઈટેડ આરબ અમીરાતમાં પહોંચી છે. બે દિવસ પછી અબુધાબીમાં હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં, તેમના હર્ષાશ્રુના અભિષેક વચ્ચે મંદિરનું લોકાર્પણ થશે. આપણી સંસ્કૃતિ કંઈ તોડવાની નહીં પરંતુ નવું સર્જવાની છે તેનું પણ ઉદાહરણ છે. બન્ને દેશો વચ્ચે સંવેદનાઓનું જોડાણ પણ શરુ થશે. 

Youtube Live

Budget 2024 LIVE

Panchang