નવી દિલ્હી, તા. 19 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની ઘોષણા કર્યા બાદ હજુ ગયા વર્ષે જ બ્રિટન અને ફ્રાન્સને પછાડી ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બન્યો હોવા અંગે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત બે કેન્દ્રીય પ્રધાન અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દેશના અર્થતંત્રનું કદ પહેલીવાર વધીને ચાર લાખ કરોડને પાર થયું તે માટે પ્રશંસા કરી હતી. જો કે, આ બાબતે સરકાર તરફથી સત્તાવાર રીતે કોઈ નિવેદન અપાયું નથી. નાણામંત્રી નિર્મલા સીતારામને અગાઉ કહ્યું હતું કે, 2027 સુધી જાપાન અને જર્મનીને પાછળ છોડી દેશ દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. એક મીડિયા અહેવાલ અનુસાર ગત રાત્રે સામે આવેલા આંકડા પાંચ ટ્રિલિયન ડોલરના લક્ષ્યને હાંસિલ કરવા તરફ વેગ આપતા સાબિત થશે. હાલમાં અમેરિકા 26.7 ટ્રિલિયન ડોલર સાથે પહેલા સ્થાને છે. ત્યારબાદ 19.24 ટ્રિલિયન ડોલર સાથે ચીન બીજા નંબર પર છે અને ત્યારબાદ 4.39 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતું જાપાન ત્રીજાં સ્થાને છે. ભારત જર્મનીથી ખૂબ નજીક આવી ગયું છે. ચાલુ વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વૃદ્ધિદર 7.8 ટકા રહ્યો જ્યારે એ પહેલાં 7.2 ટકાના દરે વૃદ્ધિ નોંધાઇ હતી. જો કે, રિઝર્વ બેન્કના અનુમાન મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિદર 6.5 ટકા રહેશે, તો આઇએમએફના અંદાજ મુજબ 2023 અને 2024માં 6.3 ટકાના દરે વૃદ્ધિ થશે. એનો મતલબ એ કે, આવનારા દિવસોમાં ભારત સૌથી ઝડપી ગતિથી આર્થિક વૃદ્ધિ કરવાવાળી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે. નોંધનીય છે કે, ભારત સરકારે દેશને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા કમર કસી છે. ચાર લાખ કરોડને પાર થયા બાદ આ લક્ષ્યને આંબવામાં અને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં સરકારને બળ મળશે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે પણ આ જ પ્રકારનું અનુમાન આપ્યું હતું. ભારતની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ જોઇએ તો કોઇપણ અન્ય મુખ્ય અર્થતંત્રની તુલનામાં આ વૃદ્ધિ સૌથી વધુ અને ઝડપી છે. ચોથા સ્થાને રહેલા જર્મની અને ભારતના જીડીપી વચ્ચે હવે ખૂબ ઓછું અંતર રહ્યું છે.