ભાર્ગવ પરીખ દ્વારા
અમદાવાદ, તા. 27 : ગુજરાતમાંથી સંખ્યાબંધ લોકો કેનેડામાં રહે છે ત્યારે ગુજરાતમાં રમાનારી ક્રિકેટ વર્લ્ડ કપ મેચમાં આતંક ફેલાવવાની ધમકી ઉપરાંત આ વર્લ્ડ કપ ક્રિકેટ નહિ ટેરરિસ્ટ વર્લ્ડ કપ બનશે એવી ધમકી કેનેડા સ્થિત ખાલિસ્તાનીઓ દ્વારા ફોન પર ગુજરાતના લોકોને આપવામાં આવી રહી છે. જન્મભૂમિ પત્રોને મળેલી ઓડિયો કલીપમાં ખાલિસ્તાની ટેરરિસ્ટ ગ્રુપના નેતા સ્પષ્ટ કહી રહ્યા છે કે, આ ક્રિકેટ વર્લ્ડ કપમાં મોટા પાયે આતંક ફેલાવાશે, આ ક્રિકેટ વર્લ્ડ કપ ટેરરિસ્ટ વર્લ્ડ કપ બની રહેશે, આતંકવાદી સંગઠનના નેતા ગુરપતવંતસિંહ પન્નૂ દ્વારા વિદેશી નંબર 44741 8343648 નંબરથી ફોન કરીને કહેવામાં આવે છે કે હિંસાને કારણે ભારત અને કેનેડાના સંબંધો બગડયા છે ત્યારે અમે આ ક્રિકેટ વર્લ્ડ કપને ટેરરિસ્ટ વર્લ્ડ કપ એટલે કે આંતકનો વિશ્વકપ બનાવી દઇશું. પન્નૂ ખાસ કરીને અમદાવાદમાં રમાનારી ભારત પાકિસ્તાનની મેચ દરમ્યાન અઘટિત ઘટનાની ધમકી આપી રહ્યો છે. આ ધમકી બાદ પન્નૂ કહે છે કે ભારત એના દૂતાવાસને કેનેડાથી નહિ ખસેડી લે તો એના માઠા પરિણામ પણ ભોગવવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે જન્મભૂમિ પત્રો જૂથના અખબારોમાં ખાલિસ્તાની નેતા પન્નૂના ધમકીભર્યા ફોનનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મધ્ય પ્રદેશ અને ઝારખંડથી પન્નૂ માટે વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ સિસ્ટમથી નકલી સીમકાર્ડથી ફોન કરી અરાજકતા ફેલાવનારી ગેંગના ચાર સભ્યોને પકડયા હતા.