• બુધવાર, 10 જૂન, 2026

રાજ્યસભાના ચારે ઉમેદવારે ફોર્મ ભર્યા

અમદાવાદ, તા.8 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના સંસદીય ઈતિહાસમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી અંતર્ગત ગુજરાતની ચાર ખાલી પડતી બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોએ આજે વિધાનસભા ખાતે વિજય મુહૂર્તમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલપ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં નામાંકન પત્રક ભર્યા હતા. ઉમેદવારોમાં રાજુભાઈ શુક્લા, માનાસિંહ પરમાર, મુકેશભાઈ રાઠવા અને જીતેન્દ્રભાઈ કણઝારિયાનો સમાવેશ થાય છે.ભાજપે આ વખતે સંગઠનમાં લાંબા સમયથી સક્રિય અને વિવિધ વર્ગોનું પ્રતિનિધિત્વ કરતા નવા ચહેરાઓને તક આપી છે. પાર્ટીના વર્તમાન સંખ્યાબળને ધ્યાનમાં રાખતાં ચારેય ઉમેદવારોની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થયા બાદ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આજે એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઘટના આકાર લઈ રહી છે. ભાજપના ઉમેદવારો દ્વારા આજે ફોર્મ ભરાવાની સાથે જ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યસભાની તમામ 11 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના સભ્યો નિયુક્ત થઈને એક નવો કીર્તિમાન સ્થાપિત  કરશે. કોંગ્રેસ માત્ર 12 ધારાસભ્યો સુધી સીમિત થઈ જતાં ગુજરાતના રાજ્યસભાના સભ્યોના સંદર્ભમાં ગુજરાત કોંગ્રેસ મુક્ત બન્યું છે. આ પ્રસંગે રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય એવા ગુજરાતમાં જનતાએ ભાજપના પ્રતિનિધિઓને એટલી પ્રચંડ બહુમતીથી ચૂંટ્યા છે કે આજે રાજ્યસભા માટે ફોર્મ ભરવાની પણ કોંગ્રેસની સ્થિતિ રહી નથી. વાર-તહેવારે ભાજપ પર પ્રહારો કરતી કોંગ્રેસે હવે ગંભીર આત્માચિંતન કરવાની જરૂર છે. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર મુજબ, રાજ્યસભાની 24 બેઠકો માટે 18 જૂને ચૂંટણી યોજાશે. ઉમેદવારી પત્રકની તપાસ 9 જૂને અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન છે. આ ચૂંટણીમાં આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકની ચાર-ચાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ત્રણ-ત્રણ, ઝારખંડની બે તથા અન્ય નાના રાજ્યોની એક-એક બેઠક સામેલ છે.

Panchang

dd