• બુધવાર, 10 જૂન, 2026

25 વિપક્ષનો મોદીરાજ સામે મોરચો, પ્રધાનનું રાજીનામું માગ્યું

નવી દિલ્હી, તા. 8 : મોદી સરકારને ઘેરવાની રણનીતિ ઘડવાના મુખ્ય હેતુ સાથે બે વર્ષ બાદ સોમવારે મળેલી વિપક્ષી `ઈન્ડિયા' જોડાણની બેઠકમાં 25 વિરોધપક્ષના નેતા સામેલ થયા હતા. આ બેઠકમાં નીટ પેપરલીક મુદ્દે દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંની માંગ સહિત પાંચ મુદ્દા પર વિપક્ષમાં સહમતી સધાઈ હતી. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મમતા બેનર્જી સહિત નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, બે કલાકથી વધુ ચાલેલી બેઠકમાં પાંચ મુદ્દા પર વિપક્ષે સહમતી સાધી છે. દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત થયો છે. નીટ પેપરલીક અને સીબીએસઈ ગરબડ માટે શિક્ષણમંત્રી જવાબદાર છે. પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ, તેવું ખડગેએ જણાવ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, ઈન્ડિયા જોડાણ દર બે મહિને બેઠક કરશે, જેમાં મોંઘવારી, બેરોજગારી, અર્થવ્યવસ્થાના મુદ્દા ઉઠાવી સરકારને સર્વેપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરાશે. હવે પછીની બેઠક આઠમી ઓગસ્ટના હૈદરાબાદમાં યોજાશે. ચોમાસું સત્ર દરમ્યાન પણ વિપક્ષી જોડાણ અલગથી પોતાની બેઠકો કરશે. મતદારયાદી સુધારણા (સર) અને ચૂંટણીની નિષ્પક્ષતાના મામલે ઈન્ડિયા જોડાણ મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર લખશે. બેઠકમાં ખડગેએ જણાવ્યું હતું કે, બંધારણ પર હુમલા જારી છે. તપાસ એજન્સીઓનો ઉપયોગ વિપક્ષના નેતાઓને પરેશાન કરવા માટે કરાઈ રહ્યો છે. આર્થિક વાતાવરણ કમજોર છે. રોકાણ અપેક્ષિત ગતિએ નથી આવતું, જેની રોજગાર પર પણ અસર પડી રહી છે, તેવા પ્રહારો મુખ્ય વિપક્ષ કોંગ્રેસના અધ્યક્ષે કર્યા હતા. ખડગેએ કહ્યું હતું કે, 17 એપ્રિલ, 2026ના દિવસે તમામ વિરોધપક્ષોએ લોકસભામાં એકજૂટ બનીને સીમાંકન સંબંધિત વિધેયકોને હરાવવામાં ભૂમિકા ભજવી હતી. એ જ એકતાને આગળ પણ મજબૂત કરવાની જરૂર છે. આ બેઠકમાં સોનિયા, રાહુલ ઉપરાંત અખિલેશ યાદવ, મમતા બેનર્જી, સુપ્રિયા સૂલે, કપિલ સિબ્બલ સહિત નેતાઓ જોડાયા હતા, તો ઉદ્ધવ ઠાકરે, હેમંત સોરેન ઓનલાઈન જોડાયા હતા.

Panchang

dd