• બુધવાર, 10 જૂન, 2026

ગૂડબાય દીદી; તૃણમૂલના 20 સાંસદ એનડીએ સાથે

કોલકાતા, તા. 8 : દોઢ દાયકા સુધી પશ્ચિમ બંગાળમાં એકચક્રી શાસન કરનાર તૃણમૂલ કોંગ્રેસ પક્ષ તૂટવા માંડયો છે. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ 58 ધારાસભ્યોના વિદ્રોહ સામે સંઘર્ષ કરી રહેલા મમતા બેનર્જીના પક્ષને સંસદમાં પણ મોટો ઝટકો લાગ્યો છે. ધારાસભ્યો બાદ મમતાનો સાથ છોડતાં લોકસભાના 28માંથી 20 તૃણમૂલ સાંસદે ભાજપના વડપણવાળી એનડીએ સરકારને સમર્થન આપવાની ઘોષણા કરી હતી. અહેવાલ તો એવા મળી રહ્યા છે કે, તૃણમૂલ સાથે છેડો ફાડનાર આ 20 સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર સોંપતાં તેમને અલગ સંસદીય પક્ષનો દરજ્જો આપવાની અને તેને અનુરૂપ અલગ-અલગ બેઠકો ફાળવવાની માંગ કરી હતી. આ સાંસદોએ સોમવારે બપોરે કેન્દ્રીય મંત્રી અને ભાજપના બંગાળ પ્રભારી ભૂપેન્દ્ર યાદવના ઘરે બેઠક કરી હતી, જ્યાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પણ તેમને મળવા પહોંચ્યા હતા. અગાઉ, ગઇકાલે રવિવારની મોડીરાત્રે એક અજાણ્યા સ્થળ પર 20 તૃણમૂલ સાંસદોએ અનૌપચારિક બેઠક કરી હતી, જેમાં સાંસદોએ વર્તમાન નેતૃત્વ વ્યવસ્થા સામે એકીઅવાજે અસંતોષ વ્યક્ત કર્યો હતો. બીજીતરફ, વરિષ્ઠ તૃણમૂલ નેતા સુખેન્દુ શેખરે રાજ્યસભા સાંસદ પદેથી રાજીનામું આપવા સાથે મમતાનો પક્ષ પણ છોડી દીધો હતો. રાજીનામું આપતાં સુખેન્દુએ મમતાના 15 વર્ષના અરાજકતાભર્યા શાસનને તૃણમૂલની હારનું કારણ લેખાવ્યું હતું અને ભાજપની ભારોભાર પ્રશંસા કરી હતી. રાજ્યસભાના અધ્યક્ષ સી. પી. રાધાકૃષ્ણને સુખેન્દુનું રાજીનામું સ્વીકારી લીધું હતું. તૃણમૂલ કોંગ્રેસ પાસે લોકસભામાં કુલ્લ 28 સાંસદ છે, જેમાંથી 20 સાંસદોનું વિદ્રોહી જૂથ ખુદને અલગ પક્ષ અથવા લોકસભામાં અસલી તૃણમૂલ કોંગ્રેસ લેખાવે તો તેમના પર પક્ષપલટાનો કાયદો લાગુ નહીં પડે કારણ કે વિદ્રોહી જૂથ પાસે બે તૃતીયાંશ સાંસદોનું સમર્થન છે. સાંસદ અને પૂર્વ તૃણમૂલ નેતા કાકોલી ઘોષ દસ્તીદારે કહ્યું હતું કે, હું બંગાળના ચૂંટણી પરિણામોને સ્વીકારું છું અને માનું છું કે, અમારું રાજકીય ભવિષ્ય એનડીએ સાથે સુરક્ષિત છે. લોકસભામાં સત્તારૂઢ એનડીએ જોડાણ 543માંથી 293 સાંસદ ધરાવે છે. તૃણમૂલના 20 સાંસદોના સમર્થન બાદ એનડીએનું સંખ્યાબળ વધી 313 થઇ જશે.

Panchang

dd