• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

કેનેડાની અવળચંડાઈ : ભારતનો મજબૂત જવાબ

નવી દિલ્હી, તા. 19 : ખાલિસ્તાન મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે સંબંધ સતત ખટાશ પકડી રહ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને ટોચના ભારતીય રાજદ્વારીને પણ કેનેડા છોડવા માટે કહેવામાં આવ્યું હતું. નારાજ થયેલાં ભારતે કેનેડાના આરોપોને ફગાવી જવાબી કાર્યવાહીમાં કેનેડિયન રાજદ્વારીને પાંચ દિવસમાં તેમના દેશ જવા માટે કહ્યું હતું. દરમ્યાન, અમેરિકા સહિતના દેશોની નિંદા અને ભારતના આકરા પ્રત્યાઘાત બાદ સાવચેતીભર્યા પ્રતિસાદમાં કેનેડિયન પીએમ ટ્રુડોએ કહ્યું કે, તેમનું નિવેદન ભારતને `ઉશ્કેરવા' માટે ન હતું. ટ્રુડોએ જણાવ્યું હતું કે કેનેડા `ભારત સરકારના એજન્ટો' અને શીખ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચે `સંભવિત કડી'નો આરોપ લગાવીને ભારતને `ઉશ્કેરવાનો` પ્રયાસ કરી રહ્યું નથી. `ભારત સરકારે આ મામલાને અત્યંત ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે તેનો પ્રયાસ કરી રહ્યા છીએ, અમે ઉશ્કેરણી કે તણાવમાં વધારો કરવા માંગતા નથી એમ ટ્રુડોને ટાંકીને એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. ભારતે કેનેડાના તમામ આરોપોને ફગાવી દીધા હતા. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કેનેડાના તમામ આરોપો નિરાધાર છે. આ જ પ્રકારના આક્ષેપો કેનેડિયન વડાપ્રધાને પીએમ મોદી સમક્ષ ઉઠાવ્યા હતા અને ત્યારે પણ તેને સંપૂર્ણપણે નકારવામાં આવ્યા હતા. આ પ્રકારના નિરાધાર આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. તેઓને કેનેડામાં આશ્રય આપવામાં આવ્યો છે અને તેઓ ભારતની સંપ્રભૂતા અને ક્ષેત્રીય અખંડતા સામે ખતરો છે.અગાઉ, કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ કેનેડિયન સંસદમાં ગંભીર આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે ભારત સરકારના એજન્ટોએ જૂન મહિનામાં કેનેડાના બ્રિટિશ કોલંબિયાના શીખ સમુદાયના નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે તેમણે જી-20 બેઠક દરમ્યાન પીએમ મોદી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. કેનેડાની સરકારને જે ગુપ્તચર બાતમી મળી છે તેના આધારે તેઓ આ આરોપ લગાવી રહ્યા છે. કેનેડાના વિદેશમંત્રી મેલની જોલીએ કહ્યું કે તેમની સરકારે એક ભારતીય રાજદ્વારી કે જે ભારતીય ઈન્ટેલિજન્સના પ્રમુખ હતા, તેમને દેશનિકાલ આપ્યો છે. જોકે જોલીએ આ રાજદ્વારી વિશે કોઈ માહિતી આપી ન હતી. 

Janmadin Vishesh Purti

Panchang