નવી દિલ્હી, તા.5 : પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે ગઈકાલે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના ફુજૈરાહ તેલ ઉદ્યોગ ક્ષેત્ર (એફઓઆઈઝેડ)માં ડ્રોન હુમલામાં ત્રણ ભારતીયને પહોંચેલી ઈજાની તીવ્ર પ્રતિક્રિયા આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સામાન્ય નાગરિકોએ અને માળખાંકીય સુવિધાઓ પરના હુમલા તાત્કાલિક બંધ કરવાની ચેતવણી આપી હતી. વડાપ્રધાને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે યુએઈમાં થયેલા હુમલાની આકરી નિંદા કરું છું જેમાં ત્રણ ભારતીય નાગરિકને ઈજા પહોંચી હતી. સામાન્ય નાગરિક અને માળખાંકીય સુવિધાઓને નિશાન બનાવવાનું કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી. તેમણે જણાવ્યું હતું કે ભારત યુએઈની સાથે એકજૂટ છે અને વાતચીત તથા કુટનીતિના માધ્યમથી તમામ મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાન માટે પોતાના સમર્થનનો પુનરોચ્ચાર કરે છે. વડાપ્રધાને એમ પણ જણાવ્યું હતું કે હોર્મુઝ ખાડી ક્ષેત્રથી સલામત અને નિર્બાધ આવાગમન સુનિશ્ચિત થવું ક્ષેત્રીય શાંતિ, સ્થિરતા અને વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે બેહદ જરૂરી છે. ફુજૈરાહ શહેર પર હુમલો એવા સમયે થયો છે જ્યારે હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામને લઈને તણાવની સ્થિતિ બનેલી છે. હોર્મુઝ વિસ્તારમાંથી દુનિયાના વીસ ટકા ઓઈલ અને ગેસનું પરિવહન થાય છે અને આ ક્ષેત્ર બંને દેશ વચચે વાતચીતમાં એક મુખ્ય અવરોધ બનીને સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે યુએઈના ફુજૈરાહ વિસ્તારમાં ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા હતા. ફુજૈરાહ મીડિયા ઓફિસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે ત્રણ ઘાયલ વ્યક્તિને નાની ઇજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે આ ડ્રોન હુમલાઓ ઈરાની ધરતીથી કરવામાં આવ્યા હતા. આ હુમલાઓ બાદ, ફુજૈરાહના એક વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી.