નવી દિલ્હી, તા. 4 : સુપ્રીમ કોર્ટે
બુધવારે બંગાળમાં મતદારયાદી સુધારણા (સર)ના મામલે સુનાવણી કરી હતી. સર્વોચ્ય અદાલતના
ઈતિહાસમાં એવો પ્રથમ પ્રસંગ આજે બન્યો જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ જાતે કોર્ટમાં
આવીને પોતાની દલીલો આપી હતી. સામાન્ય રીતે મુખ્યમંત્રીના વકીલ, સલાહકાર જ અદાલતમાં આવતા હોય છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ મૂક્યો
હતો કે, બંગાળ ચૂંટણીપંચના નિશાને છે. જે કામ બેવર્ષમાં કરવાનું
થાય, તે ત્રણ મહિનામાં કરાવાઈ રહ્યું છે. સુનાવણી બાદ મુખ્ય ન્યાયમૂર્તિ
સૂર્યકાંતના વડપણવાળી ખંડપીઠે કહ્યું હતું કે, અસલી લોકો મતદારયાદીમાં
રહેવા જોઈએ. મમતાની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચ અને પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી
અધિકારી પાસે નવ ફેબ્રુઆરી સુધીમાં જવાબ માગ્યો હતો. હવે પછી સુનાવણી સોમવારે થશે.
મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને વિપુલ
પંચોલીની ખંડપીઠ સમક્ષ મમતા સરકારે ચૂંટણીપંચને તમામ નોટિસ પાછી ખેંચવા નિર્દેશ આપવાની
માંગ કરી હતી. મમતાએ કહ્યું હતું કે, ખેતીવાડીની મોસમમાં લોકોને
પરેશાન કરાઈ રહ્યા છે. 24 વર્ષ જેટલા
લાંબા સમયગાળા બાદ અચાનક ત્રણ મહિનામાં જ પૂરું કરવાની ઉતાવળ કેમ, તેવો સવાલ તેમણે કર્યો હતો. `સર'ની કવાયતમાં 100થી વધુ લોકોએ
જીવ ખોયા છે. દેશના ચૂંટણીપંચની યાતનાથી બીએલઓ જીવ ખોઈ રહ્યા છે. આસામ અને ઉત્તરપૂર્વમાં
આવું કેમ નથી થઈ રહ્યું, તેવો સવાલ
પણ મમતાએ કર્યો હતો. નોટિસ પાછી લેવાની માંગ પર સુપ્રીમે કહ્યું હતું કે, નોટિસ પાછી ખેંચવી એ કંઈક અવ્યવહારુ પગલું ગણાશે. ચૂંટણીપંચના વકીલ રાકેશ દ્વિવેદીએ
કહ્યું હતું કે, માઈક્રોઓબ્ઝર્વરની નિમણૂક નિયમ મુજબ છે. મમતાએ
વાંધા સામે કહ્યું હતું કે, આવી કોઈ કાનૂની જોગવાઈ નથી.