સોમનાથ, તા. 10 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે
દિવસના ગુજરાત પ્રવાસે છે. સોમનાથમાં રોડ-શો બાદ આજે સોમનાથ મંદિરે પહોંચી જળાભિષેક
કર્યો હતો. બાદમાં મંદિર પરિસરમાં પહોંચીને ત્રણ હજાર ડ્રોનથી ઈતિહાસની ગાથા વર્ણવતો
અદ્ભુત ડ્રોન-શો નિહાળ્યો હતો. ત્રિશૂળ, ઓમ, વીર હમીરજી, અહલ્યાબાઈ હોલ્કર,
સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીનાં ચિત્રો સર્જાયાં હતાં. બાદમાં
વડાપ્રધાન હમીરજી સર્કલથી પગપાળા લોકોનું અભિવાદન ઝીલતા સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે
પહોંચ્યા હતા. દિગ્વિજય દ્વાર પાસે સાધુ-સંતોએ વડાપ્રધાનનું અભિવાદન ઝીલ્યું હતું.
પી.એમ. મોદી સોમનાથ મહાદેવ મંદિરમાં ચાલતા ઓમકાર અનુષ્ઠાનમાં પણ સહભાગી બન્યા હતા.
ઓમનો જાપ 72 કલાક સળંગ
ચાલવાનો છે. વડાપ્રધાને સર્કિટ હાઉસમાં સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી
હતી. તેમણે `એક્સ'
પર લખ્યું હતું કે, સોમનાથ આવવું મારા માટે સૌભાગ્યની
વાત છે. સોમનાથ આપણી સંસ્કૃતિગત હિંમતનું ભવ્ય અને ગૌરવશાળી પ્રતીક છે. ઓમ આપણા વેદ,
શાત્રો, પુરાણો, ઉપનિષદોનો
સાર છે.