રાજકોટ, તા. 9 : રાજકોટ જિલ્લાના જેતપુર, ઉપલેટા અને ધોરાજી પંથકમાં ગુરુવાર સાંજથી શુક્રવાર
બપોરે 12 વાગ્યા સુધીમાં 12 જેટલા ભૂકંપના આંચકા અનુભવાતાં
લોકોમાં ગભરાટ ફેલાયો છે. મોટા ભાગના આંચકાનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 27 કિ.મી. દૂર નોંધાયું છે. જેને
લઇને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભારે ભય ફેલાયો હતો. જાનહાનિના કોઈ સમાચાર ન હોવાથી
લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, સલામતીને લઇને ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. સતત
આવતા ભૂકંપના આંચકાના કારણે સ્થાનિક લોકોને
વર્ષ 2001ની યાદ અપાવી દીધી છે. જેતપુરમાં
ગુરુવાર રાતથી શુક્રવાર સુધીમાં 12 જેટલા ભૂકંપના
આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ગતરાતે 8:43 મિનિટે ભૂકંપનો એક આંચકો આવ્યા
બાદ લોકો તેના ચર્ચા કરતા ઉંઘી ગયા બાદ આજે વહેલી સવારે 6:20 મિનિટે ફરી ભૂકંપનો આંચકો આવતા
લોકો મીઠી નિંદ્રામાંથી જાગી ગયા હતા. આંચકાને લઇને મામલતદાર એ.ડી. બાખલાકિયા દ્વારા
જેતપુર નગરપાલિકા, તાલુકા પંચાયત,
શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી,
જેમાં જરૂરી સૂચના અપાઈ હતી. આ તમામ આંચકાનું કેન્દ્રાબિંદુ જેતપુર તાલુકાનું
ભાદર નદી કાંઠેનું લુણાગરી ગામ હોવાનું સિસ્મોલોજી દ્વારા જાણ કરાતાં લુણાગરી ગામના
લોકોમાં પણ ભૂકંપના આંચકાથી ગામમાં ડરનો માહોલ હોવાનું જણાવ્યું હતું. ગતરાતથી આજ સુધીના
12 જેટલા ભૂકંપના આંચકાઓની તીવ્રતા
મહત્તમ 3.8 જેટલી નોંધાઈ હોય તે ડરવા જેવી
બાબત ન હોવાનું જાહેર કરવામાં આવ્યું છે અને કોઈ મોટા ભૂકંપની શક્યતા ન હોવાનું પણ
બહાર આવતા લોકોમાં હાશકારો થયો હતો. ધોરાજીમાં ગઈકાલે રાત્રિના 8.43 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો
હતો જેના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. બાદ આજે વહેલી સવારે 6.19 મિનિટ અને 6.55 મિનિટે અને 6.58 અને 9.45 એમ 5ાંચથી છ વખત ધરા ધ્રુજી હતી. ઉપલેટાથી 28 કિલોમીટર દૂર કેન્દ્રાબિંદુ
નોંધાયું છે. ગત રાત્રે 8.43 મિનિટ પણ
ભૂકંપનો આચકો આવ્યો હતો.