કોલકાતા/નવી દિલ્હી, તા. 9 : પશ્ચિમ બંગાળમાં
ઈડીના દરોડા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અત્યાર સુધીનો સૌથી મોટો અને સીધો હુમલો
કર્યો છે. કોલકાતાના માર્ગો પર કૂચ કર્યા બાદ હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધતાં
બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર કોલસા કૌભાંડમાં રૂપિયા લેવાનો ગંભીર આક્ષેપ
મૂકવાની સાથે એવો પણ દાવો કર્યો હતો કે, તેમની પાસે આ આક્ષેપોના પુરાવા ધરાવતી પેનડ્રાઈવ પણ છે. મમતા બેનર્જીએ એવી
ચેતવણી આપી હતી કે, જો કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ રાજ્ય
સરકાર પર વધુ દબાણ લાવશે, તો તેઓ બધા પુરાવા જાહેર કરી દેશે.
મને છંછેડશો, તો હું છોડીશ નહીં એવી સ્પષ્ટ ચેતવણી તેમણે આપી
હતી. દરમ્યાન, કલકત્તા હાઈકોર્ટના પરિસરમાં ભારે ભીડ અને હોબાળાને
કારણે ઈડીની અરજી પર સુનાવણી ટળી હતી. દરમ્યાન તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના આઠ સાંસદે
દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલયની બહાર પ્રદર્શન કરી ઈડીના દરોડાનો વિરોધ
કર્યો છે. ઈડીએ ગુરુવારે કોલકાતામાં અનેક સ્થળોએ દરોડા પાડયા હતા, જેમાં બે રેડ આઈ પેક કંપની સામે હતી જે ટીએમસીના ચૂંટણી સંચાલનનું કાર્ય કરે
છે. ટીએમસીએ આ દરોડાને રાજકારણ સાથે જોડીને આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકારે તેના ચૂંટણી પ્રચારને પ્રભાવિત કરવા માટે દરોડા પડાવ્યા હતા.
શાહના કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કરનારા સાંસદોમાં ડેરેક ઓ'બ્રાયન, શતાબ્દી રોય, મહુઆ મોઇત્રા,
બાપી હલદર, સાકેત ગોખલે, પ્રતિમા મંડલ, કીર્તિ આઝાદ અને ડો. શર્મિલા સરકારનો સમાવેશ
થાય છે. દરમિયાન, દિલ્હી પોલીસે તમામ સાંસદોની અટકાયત કરી સંસદ
માર્ગ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.