નવી દિલ્હી, તા. 8 : ભારતીય રેલવેથી
માંડીને ટપાલ વિભાગ, આવકવેરા વિભાગ,
દેશની સેના અને અન્ય અનેક સરકારી વિભાગોમાં નોકરીનાં નામે દેશમાં એક
મોટું કૌભાંડ આચરાઇ રહ્યું હોવાનો ચોંકાવનારો ધડાકો થયો છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ
(ઇડી)એ ગુજરાત સહિત દેશનાં 15 સ્થળ પર દરોડા પાડીને ગુરુવારે આ મોટાં કૌભાંડનો પર્દાફાશ કર્યો
હતો. તમામ સ્થળે સક્રિય ટોળકીઓ બોગસ સરકારી નોકરીઓનાં નામે યુવાનોને છેતરવા અને વિવિધ
સરકારી વિભાગોમાં બોગસ નિમણૂકો અપાવવાનાં કૌભાંડમાં સંડોવાયેલી છે. તામિલનાડુ, ગુજરાત, બિહાર,
ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં રાજ્યોની
પોલીસની મદદ લઇને ઇડીની ટીમો ત્રાટકી હતી. પ્રારંભિક તપાસમાં માત્ર રેલવેમાં ઘોટાળો
સામે આવ્યો. પછી પ્રગતિ કરતાં ઇડીને વન વિભાગ, ટપાલ, આવકવેરા, જાહેર બાંધકામ, વિવિધ
વડી અદાલતો સહિત 20થી વધુ સરકારી
વિભાગોમાં નોકરીનાં નામ પર કૌભાંડ ખુલ્યું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે, ટોળકીઓ સરકારી ડોમેનના અણસારવાળા બોગસ ઇ-મેઇલ
એકાઉન્ટનો ઉપયોગ કરતી હતી. આ એકાઉન્ટ્સ પરથી નોકરીવાંચ્છુ યુવાનોને બોગસ નિયુક્તિ તેમજ
નોકરીમાં જોડાવાના પત્રો મોકલાતા હતા. ઇડી અત્યારે આ મામલામાં મની લોન્ડરિંગના એંગલથી
તપાસ કરી રહી છે અને કૌભાંડના મોટા પુરાવા
મળશે તેવું અનુમાન છે.