• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

સંચાર સાથીના વિવાદ વચ્ચે સંસદમાં સમાધાનનો સંચાર

નવી દિલ્હી, તા. 2 : દૂરસંચાર વિભાગ દ્વારા મોબાઇલ ફોન ઉત્પાદકો અને આયાતકારોને 90 દિવસની અંદર તમામ નવા ઉપકરણોમાં સંચાર સાથી  એપ પહેલેથી ઇન્સ્ટોલ થયેલી હોવી જરૂરી બનાવતો આદેશ આપવામાં આવતાં દેશની રાજનીતિમાં ગરમી આવી ગઈ છે. વિપક્ષે સરકાર ઉપર ગંભીર આરોપ મૂકતા આને ગેરબંધારણીય ગણાવ્યું હતું. વિપક્ષે આ એપ થકી સરકાર પ્રત્યેક વ્યક્તિ ઉપર નજર રાખવા, જાસૂસી કરવા માગતી હોવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષે આ એપ્લિકેશનની તુલના પેગાસસ જેવા જાસૂસી સોફ્ટવેર સાથે કરી નાખવામાં આવી હતી. જો કે, વિપક્ષનાં હોબાળા બાદ કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, આ એપને ફોનમાં રાખવી અનિવાર્ય નથી. લોકો તેને ડિલીટ પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, દૂરસંચાર વિભાગનાં આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઉપયોગમાં આવનાર નવા મોબાઇલ હેન્ડસેટના ઉત્પાદકો અને આયાતકારોને નિર્દેશ આપે છે કે, 90 દિવસની અંદર નિર્દિષ્ટ સંચાર સાથી મોબાઇલ એપ ફોનમાં પ્રી-ઈન્સ્ટોલ હોવી જોઈએ.  વિપક્ષ તરફથી સરકારનાં આ પગલાંની આકરી આલોચના કરવામાં આવી હતી. કોંગ્રેસના મહામંત્રી કે. સી. ણુગોપાલે આ પગલાને અસંવિધાનિક ગણાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, બિગ બ્રધર આપણા ઉપર નજર રાખી શકે નહીં. દૂરસંચાર વિભાગનો આ આદેશ ગેરકાનૂની છે. કોંગ્રેસનાં સાંસદ કાર્તિ ચિદમ્બરમે આને પેગાસસ પ્લસ પ્લસ ગણાવી હતી. કોંગ્રેસનાં નેતાઓ તરફથી આને સરકારની જાસૂસીની યુક્તિ ગણાવવામાં આવી હતી. જો કે સરકાર તરફથી આ નિર્ણયનાં બચાવમાં કહેવામાં આવ્યું હતું કે, આ પગલું ડુપ્લિકેટ અને નકલી આઇએમઇઆઇ નંબરો રોકવા માટે જરૂરી છે. જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે. સિંધિયાએ કહ્યું હતું કે, વિપક્ષ પાસે જ્યારે કોઈ નક્કર મુદ્દો નથી હોતો ત્યારે તે બળજબરીથી વિવાદ ઉભા કરવાની કોશિશ કરે છે. સરકારનો ઉદ્દેશ માત્ર લોકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાનો છે. સંચાર સાથી પોર્ટલમાં અત્યાર સુધીમાં 20 કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે. તેમ છતાં લોકો જો આને ફોનમાંથી ડીલીટ કરવા માગતાં હોય તો કરી જ શકે છે. તેમાં કોઈ નજર રાખવાની કે જાસૂસીની વાત છે નહીં.

Panchang

dd