નવી દિલ્હી,
તા. 1 : વકફ
સુધારા કાયદાના અમલના સંબંધમાં સોમવારે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું. કાયદાનું
પાલન નહીં કરવાની સ્થિતિમાં સજા સુધીની ચેતવણી કોર્ટે આપી દીધી હતી. વકફની સંપત્તિઓની
વિગત `ઉમિદ' પોર્ટલ પર અપલોડ કરવાની સમયમર્યાદા વધારવાનો સર્વોચ્ચ અદાલતે ઇન્કાર કરી દીધો
હતો. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ઓગસ્ટિન જોર્જ મસિહની ખંડપીઠે જણાવ્યું હતું કે,
અમે વકફ કાયદો બીજીવાર લખી શકતા
નથી. અધિનિયમમાં ઉપાય પહેલાંથી જ મોજૂદ છે. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ પહેલાં જ કહ્યું
હતું કે, મુતવલી ટ્રિબ્યુનલ પાસે જઇને મામલાના આધારે રાહત મેળવી
શકાય. સમયમર્યાદા વધારવાની અરજીઓમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને એઆઇએમઆઇએમ
નેતા અસદુદ્દીન ઓવૈસીની અરજી પણ સામેલ હતી. સુપ્રીમ કોર્ટે અરજદારોને કહ્યું હતું કે,
સંબંધિત ટ્રિબ્યુનલ પાસે જઇને પોતાની વાત રજૂ કરી શકે છે. નિયમો મુજબ,
વકફ સંપત્તિની વિગતો `ઉમિદ' પર અપલોડ નહીં કરનારને છ મહિનાની સજા અને 20 હજાર રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.