મુંબઇ, તા. 1 : ઘરેલુ
શેરબજારના કડાકા તેમજ વિદેશી રોકાણકારો દ્વારા સતત પૈસાના ઉપાડથી વધેલાં દબાણના પગલે
ભારતીય રૂપિયો ડોલર સામે વધુ ઘસારા સાથે 89.54ના
સર્વકાલીન તળિયે સરકી ગયો હતો. કારોબારી દરમ્યાન સોમવારે 34 પૈસા નીચે સરકીને રૂપિયો 89.79ના નીચા સ્તરને પાર કરી ગયો હતો. જાણકારોએ જણાવ્યું
હતું કે, અમેરિકા સાથે વેપારસંધિની અનિશ્ચિતતાની અસર ભારતીય ચલણ પર
થઇ રહી છે. એ સિવાય અમેરિકી ડોલરની વધતી જતી મજબૂતીના કારણે પણ રૂપિયાને ઘસારો લાગી
રહ્યો હોવાનું તજજ્ઞો કહી રહ્યા છે. 2025ના
વર્ષમાં અત્યાર સુધી રૂપિયો 4.77 ટકા
જેટલો કમજોર પડયો છે. જો કે, વેપારસંધિ માટે અમેરિકા સાથેની વાતચીત
હકારાત્મક દિશામાં પ્રગતિ કરી રહી હોવાની ધરપતથી રૂપિયામાં સુધારાની આશા પણ એક વર્ગ
વ્યક્ત કરી રહ્યો છે. હાલ તુરત તો રૂપિયો ગગડીને ડોલર સામે 90 રૂપિયાની નજીક જઇ રહ્યો છે, જેના પગલે ભારત માટે વિવિધ વસ્તુની આયાત મોંઘી થઇ જશે. એ સિવાય વિદેશોમાં ફરવા
જવાનું તેમજ અભ્યાસ કરવા જવા જેવાં આયોજનો ભારતને મોંઘાં પડશે.