નવી દિલ્હી,
તા. 1 : લોકોને
સાયબર અપરાધોના શિકાર બનતા બચાવવાની દિશામાં એક મહત્ત્વનું પગલું કેન્દ્ર સરકાર લઈ
રહી છે. હવેથી દરેક નવા સ્માર્ટફોનમાં સાયબર સુરક્ષા એપ `સંચાર સારથિ' પ્રી-ઈન્સ્ટોલ એટલે કે, પહેલાંથી જ ડાઉનલોડ કરેલી મળશે. મોદી સરકારે સ્માર્ટફોન નિર્માતા કંપનીઓને
આ સંબંધમાં નિર્દેશ જારી કરતાં `સંચાર
સારથિ' એપ સાથેના સ્માર્ટફોન તૈયાર કરવા માટે 90 દિવસની સમયમર્યાદા આપી હતી. સરકારે એપલ, સેમસંગ, વિવો, ઓપો, શાઓમી જેવી મોબાઈલ નિર્માતા કંપનીઓને આવો આદેશ આપ્યો છે, તેવું એક સમાચાર એજન્સીના અહેવાલ પરથી જાણવા મળ્યું હતું. ખાસ ધ્યાન ખેંચે
તેવી ખાસિયત એ રહેશે કે, આ સાયબર સુરક્ષા એપને સ્માર્ટફોનધારક
ડિલિટ કે ડિસેબલ નહીં કરી શકે. સાથોસાથ જૂના સ્માર્ટફોન પર પણ સોફ્ટવેર અપડેટ મારફતે
`સંચાર સારથિ' એપ ઈન્સ્ટોલ કરી શકાશે. જો કે, સરકારનો આ આદેશ જાહેરમાં
જારી કરાયો નથી, પરંતુ મોબાઈલ કંપનીઓને સીધો મોકલી દેવાયો છે.
`સંચાર સારથિ' સરકાર દ્વારા જ નિર્મિત સાયબર સુરક્ષા એપ છે, જે 17 જાન્યુઆરી, 2025ના
લોન્ચ કરાઈ હતી. આ એપ સાયબર છેતરપિંડી, બોગસ આઈએમઈઆઈ નંબર અને મોબાઈલની ચોરી
રોકવાના હેતુઓ સાથે બની છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે,
આ એપ બોગસ આઈએમઈઆઈ દ્વારા આચરાતાં કૌભાંડ અને નેટવર્કનો દુરુપયોગ રોકવા
જરૂરી છે. અત્યારે ગૂગલ પ્લે સ્ટોર અને એપલમાં
સ્વૈચ્છિક ડાઉનલોડ માટે આ એપ ઉપલબ્ધ છે, પરંતુ નવા મોબાઈલમાં
ફરજિયાત હશે. આ સાયબર સુરક્ષા એપ યુઝર્સને કોલ, મેસેજ,
વોટ્સએપ ચેટ રિપોર્ટ કરવામાં મદદ કરશે. સાથે આઈએમઈઆઈ નંબર ચેક કરીને
ચોરાઈ ગયેલા કે ખોવાઈ ગયેલા ફોનને બ્લોક કરી અપાશે. ઉલ્લેખનીય છે કે, ભારત દેશમાં 1.2 અબજથી
વધુ મોબાઈલધારકો છે, જે આખી દુનિયાની સૌથી મોટી બજાર છે.
દેશના ટેલિકોમ વિભાગે જણાવ્યું હતું કે, સાયબર સુરક્ષા એપને ફરજિયાત
કરવાની પહેલ સંચાર સુરક્ષાને નવી ઊંચાઈ પર લઈ જશે.