• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

સંસદમાં નાટક-નારા નહીં, નીતિ ચાલશે : મોદી

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 1 : સંસદનાં શિયાળુ સત્રમાં ડ્રામા નહીં ડિલિવરી (નાટક નહીં કામ), નારા નહીં નીતિ ચાલશે, એવા શબ્દોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આજે કડક સંદેશો આપ્યો હતો. તાજેતરમાં બિહારની ચૂંટણીમાં વિપક્ષની કારમી હાર ઉપર કટાક્ષ કરતાં  મોદીએ કહ્યું હતું કે, વિપક્ષ અશાંત હોવાનું લાગી રહ્યું છે. વડાપ્રધાને વિપક્ષને સંસદનાં અધિવેશનમાં નીતિ અને ખરડા પસાર કરવામાં સહયોગની અપીલ કરતાં કહ્યું હતું કે, સંસદનો સમય બરબાદ ન થાય એ જરૂરી છે. નારા કરતાં નીતિ ઉપર ધ્યાન આપવું એ આપણી ફરજ છે. સંસદનું શિયાળુ અધિવેશન શરૂ થયું એ પહેલાં વડાપ્રધાને પરંપરાગત રીતે સંસદના પ્રાંગણમાં સમાચાર માધ્યમોને સંબોધનમાં વિપક્ષને ટપારતાં કહ્યું હતું કે, જનતાનાં હિતોને ધ્યાનમાં લઇને સંસદની કાર્યવાહી શાંતિથી ચાલે એ જોવું જોઇએ. વિપક્ષ પર આકરો કટાક્ષ કરતાં મોદીએ કહ્યું હતું કે, બિહારમાં તાજેતરમાં થયેલી ચૂંટણીમાં હારથી વિપક્ષ અશાંત હોવાનું લાગી રહ્યું છે, પરંતુ મતભેદો ભૂલીને સંસદમાં દેશની જનતા માટે સારી નીતિ અને વિધેયકો પાસ કરાવવા માટે આપણે કામ કરવું જોઇએ, જેથી ચોમાસું અધિવેશનની જેમ શિયાળુ અધિવેશન પણ ધોવાઇ ન જાય. વડાપ્રધાને કહ્યું હતું કે, હું તમામ સાંસદોને અપીલ કરું છું કે, જે મુદ્દા સામે આવે એના ઉપર વિચાર કરો. ડ્રામા (નાટકબાજી) માટે બહાર ઘણા મંચ છે, ત્યાં જેને ડ્રામા કરવા હોય એ કરે, પરંતુ સંસદમાં ડ્રામા નહીં, ડિલિવરી થવી જોઇએ, જેમને નારાબાજી કરવી હોય એમના માટે પણ ઘણી જગ્યા છે. તમારે જે નારાબાજી કરવી હતી એ બિહારની ચૂંટણી વખતે કરી લીધી અને એનો જવાબ પણ જનતાએ આપી દીધો છે, પરંતુ સંસદમાં નારા નહીં નીતિ ઉપર જોર આપવું જોઇએ. વડાપ્રધાને વિપક્ષને સલાહ આપી હતી કે, રાજકારણમાં ક્યારેક નકારાત્મકતા પણ કામ કરી જાય એવું હોઈ શકે, પરંતુ આખરે દેશ (વિકસિત) બનાવવો હોય તો સકારાત્મક વિચારોની જ જરૂર હોય છે. આપણે નકારાત્મકતાને કોરાણે મૂકીને દેશના વિકાસ માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. મોદીએ જણાવ્યું કે, વિપક્ષે પણ સંસદમાં જરૂરી મુદ્દા ઉઠાવવા જોઇએ, ચૂંટણીમાં પરાજયના આઘાતમાંથી બહાર આવીને સંસદની કાર્યવાહીમાં ભાગ લેવો જોઇએ. મને હતું કે, બિહાર ચૂંટણીને થોડો સમય થઇ ગયો એટલે પોતાને સંભાળી લેશે, પરંતુ કાલે સર્વપક્ષીય બેઠક પરથી લાગ્યું કે, વિપક્ષો હજુએ પરાજયના આઘાતમાં છે. તમામ રાજકીય પક્ષોને મોદીએ સૂચન કર્યું હતું કે, સંસદ હારની ભડાશ કે જીતનો અહંકાર દેખાડવાનો અખાડો ન બનવી જોઇએ. અધિવેશનમાં જનતાનું ધ્યાન હોય છે કે સાંસદો દેશ માટે શું કરવાના છે, કેવા કાયદા બનાવે છે. વિપક્ષે પોતાની જવાબદારી નિભાવી ચર્ચામાં મજબૂત મુદ્દા ઉઠાવવા જોઇએ. વિપક્ષ કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું હતું કે, એસઆઇઆર, ચૂંટણી પ્રક્રિયા અને દિલ્હી સહિત દેશમાં પ્રદૂષણ મહત્ત્વના મુદ્દા છે એની ચર્ચા થવી જોઇએ, સંસદ શેના માટે છે? એ ડ્રામા માટે નથી. મુદ્દા ઉઠાવવા એ ડ્રામા નથી. જનતાનાં હિતમાં જરૂરી મુદ્દા ઉઠાવવા એને નાટકમાં ન ખપાવી શકાય. કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ `એક્સ' ઉપર ટ્વિટમાં કહ્યું હતું કે, સંસદનાં શિયાળુ અધિવેશનના પહેલા દિવસે શરૂઆતમાં જ વડાપ્રધાન મોદીજીએ સંસદના પ્રાંગણમાં જનતા માટે મહત્ત્વના મુદ્દાઓને બદલે ફરીથી ડ્રામેબાજી ડિલિવર કરી. હકીકત તો એ છે કે, છેલ્લાં 11 વર્ષથી આ સરકાર સતત સંસદની ગરિમા અને સંસદીય પરંપરાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરે છે. આવા કિસ્સાઓથી દેશની જનતા પણ સારી રીતે વાકેફ છે. ભાજપે હવે આવી ડ્રામાબાજી છોડીને સંસદમાં દેશના મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરવી જોઇએ. દેશની હકીકત એ છે કે, સામાન્ય જનતા બેરોજગારી, મોંઘવારી, આર્થિક અસમાનતા અને દેશના કુદરતી સ્રોતની લૂંટ સામે સંઘર્ષ કરી રહી છે, પરંતુ સત્તાધીશો ડ્રામાબાજી અને સરકારી તંત્ર એના અહંકારમાં ગળાડૂબ છે. રાજ્યસભામાં વડાપ્રધાને ઉપરાષ્ટ્રપતિ અને નવા સભાપતિ સી. પી. રાધાકૃષ્ણનનું સ્વાગત કરીને અભિવાદન કરતું ભાષણ આપ્યું હતું. ત્યાર બાદ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સભાપતિને આવકારતું ભાષણ કર્યું હતું. એ સંબોધનમાં ખડગેએ પૂર્વ સભાપતિ જગદીપ ધનખડે છેલ્લાં અધિવેશનમાં અચાનક રાજીનામું આપેલું એ વિશે સવાલ ઉઠાવ્યો હતો. ખડગેએ કહ્યું હતું કે, મને એ વાતનો રંજ છે કે, પૂર્વ સભાપતિ ધનખડને વિદાયમાન આપવાની તક મને નથી મળી. એના જવાબમાં ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન જે.પી. નડ્ડાએ પલટવાર કરતાં કહ્યું હતું કે, તમને બિહાર, મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં કારમી હારથી તકલીફ થઇ છે, તમારી તકલીફનાં નિવારણ માટે ડોક્ટરને મળવું જોઇએ.

સંસદમાં વંદેમાતરમ્  પર ચર્ચા થશેમોદી પણ સામેલ થશે

નવી દિલ્હી, તા. 1 : ભારતના રાષ્ટ્રગીત `વંદે માતરમ'ના 150 વર્ષ પૂરા થવા ઉપર સંસદના શિયાળુ સત્રમાં વિશેષ ચર્ચાનું આયોજન કરવામાં આવશે. લોકસભામાં આગામી ગુરુવાર અથવા તો શુક્રવારના  ચર્ચા થશે. જેના માટે 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. પીએમ મોદી પણ આ વિશેષ ચર્ચામાં ભાગ લેશે.  ચર્ચા સ્વતંત્રતા સંગ્રામ માટેના પ્રેરક ગીતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વને રેખાંકિત કરશે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂ દ્વારા 30 નવેમ્બરના રોજ બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક અને લોકસભા-રાજ્યસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આ પ્રસ્તાવ ઉપર સહમતિ બની હતી. સરકારે આ ચર્ચાને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણાવીને તમામ પક્ષોને તેમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. લોકસભામાં સત્રના પ્રારંભે કોંગ્રેસે એરસઆઈઆર અને ચૂંટણીલક્ષી સુધારાઓ પર ચર્ચાની માંગ કરી હતી, પરંતુ સરકારે વંદેમાતરમને પ્રાથમિકતા આપી હતી. તૃણમૂલે પણ વંદેમાતરમ્ પર વિશેષ ચર્ચાનું સમર્થન કર્યું હતું.

Panchang

dd