અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત રાજ્યમાં નવી સરકારની રચના અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરબદલની તૈયારીઓ આખરે શરૂ થઈ ગઈ છે. સરકારી કાર્યક્રમોની વ્યસ્તતાને કારણે છેલ્લા દોઢ મહિનાથી અટકેલી નિમણૂક પ્રક્રિયા હવે ડિસેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં વેગ પકડે તેમ જણાય છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહ અત્યંત મહત્વપૂર્ણ રહેશે, જેમાં 21 જેટલા નવા મંત્રીઓને કાયમી ધોરણ પીએ(પર્સનલ આસિસ્ટન્ટ) અને પીએસ(પ્રાઈવેટ સેક્રેટરી) ફાળવવામાં આવશે. આ ઉપરાંત, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આઈએએસ અને આઈપીએસઅધિકારીઓની બદલીઓ અને પોસ્ટિગનો ગંજીપો પણ ચીપાય તેવી પ્રબળ શક્યતા છે. મહત્વનું છે કે, સરકારની રચનાને દોઢ મહિનો વીતી ગયો હોવા છતાં, નવા સમાવિષ્ટ થયેલા 21 મંત્રીઓ હાલમાં કામચલાઉ સ્ટાફથી કામ ચલાવી રહ્યા છે. અત્યાર સુધી સેક્શન ઓફિસર્સ (એસઓ) અને ડેપ્યુટી સેક્શન ઓફિસર્સ (ડીવાએસઓ) મંત્રીઓની ઓફિસની કામગીરી સંભાળી રહ્યા હતા. જોકે, હવે સરકારી કાર્યક્રમો પૂર્ણ થતા અને વહીવટી સ્થિરતા આવતા સરકાર આ મુદ્દે નિર્ણય લેવા જઈ રહી છે. આગામી સપ્તાહમાં જ આ તમામ મંત્રીઓને રેગ્યુલર અને કાયમી ઙઅ તેમજ ઙજ ની ફાળવણી કરી દેવામાં આવશે, જેથી વહીવટી કામગીરી સુચારુ રીતે ચાલી શકે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીઓના સ્ટાફ માટે ચોક્કસ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. મંત્રીઓના પીએ તરીકેની કામગીરી માટે એસઓ, ડીવાયએસઓ અથવા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. જ્યારે મંત્રીઓના પીએસ તરીકેની મહત્વની જવાબદારી માટે ડેપ્યુટી સેક્રેટરી, એડિશનલ કલેક્ટર અથવા જોઈન્ટ સેક્રેટરી (એએનઈ) કક્ષાના સિનિયર અધિકારીઓને મૂકવામાં આવશે. ડિસેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયું માત્ર મંત્રીઓના સ્ટાફ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ રાજ્યની અમલદારશાહીમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળશે. રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને ચુસ્ત કરવા માટે આઈએએસ (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) અને આઈપીએસ (ઈન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારીઓની બદલીઓ તોળાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અનેક આઈપીએસઅધિકારીઓ પોસ્ટિગની રાહ જોઈ રહ્યા છે. પોલીસ બેડામાં ચર્ચા છે કે આગામી સપ્તાહમાં અથવા પખવાડિયામાં આ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવશે. સરકાર હવે વહીવટી તંત્ર પર પકડ મજબૂત કરવા અને ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે આ નિર્ણયો લેવા જઈ રહી છે.