નવી દિલ્હી, તા. 30 : દેશના ચૂંટણીપંચે
રવિવારે મતદારયાદી સુધારણા (સર) માટે રાહત આપતા ફેંસલામાં આ કવાયતની સમયમર્યાદા સાત
દિવસ માટે લંબાવી દીધી હતી. હવે આ પ્રક્રિયા 11 ડિસેમ્બર સુધી ચાલશે. બીજા ચરણમાં 12 રાજ્યોમાં કવાયત બાદ અંતિમ
મતદાર યાદી 14મી ફેબ્રુઆરી, 2026ના દિવસે
જારી કરાશે. બિહાર બાદ ગુજરાત, ગોવા,
છત્તીસગઢ, અંદમાન અને નિકોબાર, લક્ષદ્વીપ, કેરળ, પોંડિચેરી,
મધ્યપ્રદેશ, રાજસ્થાન, તાલિમનાડુ,
ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ મળીને 12 રાજ્યોમાં મતદારયાદી સુધારણાનો
વ્યાયામ જારી છે. દાવા અને વાંધા રજૂ કરવાનો ગાળો 16 ડિસેમ્બર, 2025થી 15 જાન્યુઆરી 2026 સુધીનો નક્કી કરાયો છે. વિપક્ષી
છાવણી એસઆઈઆર પ્રક્રિયા પર સતત નિશાન સાધી રહી છે. કોંગ્રેસે તો કામના દબાણથી જીવ ખોનાર
બીએલઓનાં મોતને હત્યા લેખાવી હતી. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું હતું
કે, 20 દિવસમાં 26 બીએલઓનાં મોત ધોળા દિવસે હત્યા
જેવા છે. એસઆઈઆરનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયો છે. તામિલનાડુ, કેરળ અને બંગાળની `સર' વિરોધી અરજીઓ પર સુનાવણી જારી છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને જસ્ટિસ
જોયમાલ્યા બાગચીની ખંડપીઠે કેરળ સરકારની અરજી પર કેન્દ્ર સરકાર અને રાજ્યના ચૂંટણીપંચ
પાસેથી આવતીકાલ સોમવાર સુધીમાં જવાબ માગ્યો છે. કોંગ્રેસ સહિત વિરોધપક્ષો `મોદીરાજ'
તેમજ ચૂંટણીપંચ પર પ્રહાર કરતાં એવો આરોપ સતત મૂકતા રહ્યા છે કે,
એસઆઈઆર મતચોરીનો સૌથી શક્તિશાળી ઉપાય છે. ભાજપ અને ચૂટણીપંચ સાથે મળીને
મતચોરી કરી રહ્યા હોવાનો આરોપ વિપક્ષો મૂકતા રહ્યા છે. હવે મતદાર યાદીનું વિશેષ ગહન
પુન:નિરીક્ષણ(સર) કામગીરીની સમયમર્યાદા લંબાવવાની જાહેરાત કરતાં ચૂંટણીપંચે એક નોટિસ
જારી કરી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે, મતદાર યાદી મુસદ્દાનું
પ્રકાશન 16મી ડિસેમ્બરે
કરવામાં આવશે. જ્યારે અંતિમ મતદાર યાદી 14મી ફેબ્રુઆરીનાં રોજ પ્રકાશિત થશે. મતદારોનાં નામ નોંધવા માટે
ફોર્મ ભરવાની સમયસીમા 11મી ડિસેમ્બર
સુધી વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત પંચે મતદાન મથકની ફાળવણીની પ્રક્રિયા પણ 11 ડિસેમ્બર સુધીમાં પૂરી કરવા
માટે કહ્યું છે. આજે જારી કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર પંચે 12થી 1પ ડિસેમ્બર વચ્ચે કંટ્રોલ ટેબલ તૈયાર કરવાની વાત કરેલી છે. આ
દરમિયાન તમામ 12 રાજ્યો અને કેન્દ્રીય પ્રદેશોમાં
મતદાર યાદી મુસદ્દો એટલે કે, ડ્રાફ્ટ
રોલ પણ તૈયાર કરી લેવામાં આવશે. મતદારો પોતાનાં વાંધા 16મી ડિસેમ્બરથી 1પ જાન્યુઆરી વચ્ચે નોંધાવી શકશે. પંચે કહ્યું
છે કે, 16મી ડિસેમ્બરથી
સાત ફેબ્રુઆરી વચ્ચે તમામ રાજ્યોનાં ઈલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર(ઈઆરઓ) મતદારોનાં વાંધાઓ
ઉપર સુનાવણી કરશે. તેમાં મતદારો પાસેથી જવાબ પણ માગવામાં આવશે. 10 ફેબ્રુઆરીએ તમામ માપદંડ ઉપર
મતદાર યાદીને પારખવામાં આવશે. ત્યારબાદ અંતિમ યાદી જારી કરવા માટે અનુમતિ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સરની પ્રક્રિયાનાં
બીજા તબક્કામાં અંદામાન-નિકોબાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, પુડ્ડુચેરી,
રાજસ્થાન, તાલિમડનાડુ, ઉત્તરપ્રદેશ
અને પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીની ગહન સુધારણા ચાલી રહી છે.