અમદાવાદ, તા.14 (અમારા પ્રતિનિધિ તરફથી) : બિહારમાં
ભાજપ અને સાથી પક્ષોની ભવ્ય જીતને પગલે ગુજરાત ભાજપ દ્વારા કમલમ ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી
કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે આવેલા ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે વિજયોત્સવની ઉજવણીમાં
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત
તમામ નેતાઓ સહભાગી થયા હતા. બિહારની જીતની ઢોલ નગારા, મીઠાઇ, ફટાકડા સાથે ઉજવણી
કરવામાં આવી હતી. કાર્યકરોએ ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા સાથે એકબીજાને
મીઠાઇ ખવડાવીને ઉજવણી કરી હતી. બિહાર વિધાનસભાના જાહેર થયેલા ચૂંટણી પરિણામોએ ફરી એકવાર
બિહારમાં એનડીએની સરકારની રચનાનો માર્ગ મોકળો કરી દીધો છે. બિહારમાં આ વિજય પ્રાપ્ત
થતાં જ દેશભરમાં ભાજપ અને સહયોગી પક્ષોના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ્' ખાતે ભવ્ય ઉજવણીની સાથે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર
પરિષદમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયા,પ્રદેશ કોષાધ્યક્ષ
સુરેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું
હતું કે, બિહારમાં વિજયનો ગુજરાતમાં પણ એટલો જ ઉત્સાહ છે. હવે
સરકાર બિહારનો જબરદસ્ત વિકાસ કરશે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને લોકોએ જાકારો આપ્યો
છે. આવી કારમી હાર તેમણે જોઈ નહીં હોય એમ તેમણે કહ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલે બિહારની જીતને લઈને કહ્યું હતું કે, એનડીએનો આ વિજય સુશાસનનો
વિજય છે. ઓપરેશન સિંદૂર થકી આ સુરક્ષાની જીત છે.ભ્રષ્ટાચાર મુક્ત સાશન,એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે વિકસિત ભારતના સંકલ્પનો વિજય છે, આ વિજય આત્મનિર્ભર ભારત અને સ્વદેશી નિતિનો વિજય છે. દરમિયાન અમદાવાદના ખાનપુરમાં
આવેલા ભાજપ કાર્યાલય ખાતે પણ મોટી ઉજવણી યોજાઈ, જ્યાં ફટાકડા
ફૂટતા અને કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી મનાવવામાં આવી હતી.