પટણા, તા. 14 : બિહારના ચૂંટણી પરિણામોમાં
રાહુલ પરિબળ બેઅસર રહ્યું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતાએ ફોડેલો હાઇડ્રોજન બોમ્બ
હવાઈ ગયો છે. ઉપરાંત મતદારો પર મત ચોરીના મુદ્દાની પણ કોઈ અસર જોવા મળી નથી. ચૂંટણી
જીતવા અનેક પ્રયાસ છતાં બિહારમાં વિપક્ષોના મહાગઠબંધનને જોરદાર લપડાક પડી છે. બિહાર વિધાનસભાની આ ચૂંટણી વચ્ચે એવી તીવ્ર
અટકળો હતી કે મહાગઠબંધનનું રાહુલ ફેક્ટર બિહારમાં પરિણામને પ્રભાવિત કરી શકે છે. રાહુલ
ગાંધીએ છેલ્લા કેટલાક મહિનાઓથી વારંવાર મત ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ચૂંટણી પહેલા
તેમણે પ્રેસ કોન્ફરન્સમાં અનેક દાવા કર્યા, બિહારમાં રેલીઓ યોજી અને અંતે તેમણે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર હાઇડ્રોજન
બોમ્બને નામે આકરા પ્રહારો કર્યા હતા. શુક્રવારે જ્યારે મત ગણતરી શરૂ થઈ તો જનમતે વિપક્ષોને
ચોંકાવ્યા હતા. મત ગણતરી આગળ વધતાં એનડીએનું જોર એટલું વધતું ગયું કે મહાગઠબંધન અને
કોંગ્રેસની બધી ચૂંટણી ગણતરીઓ બિનઅસરકારક જણાઈ હતી. ખાસ કરીને કોંગ્રેસના સાંસદ રાહુલ
ગાંધી દ્વારા ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામે લગાવવામાં આવેલા આરોપોની અસર કયાંય
દેખાઈ ન હતી. છેલ્લી સ્થિતિ મુજબ કોંગ્રેસનું પ્રદર્શન લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ),
એઆઈએમઆઈએમ અને હિન્દુસ્તાની અવમ મોરચા કરતા પણ ખરાબ રહ્યું છે