• શનિવાર, 15 નવેમ્બર, 2025

વંશવાદ વિરુદ્ધ વિકાસવાદની જીત : મોદી

નવી દિલ્હી, તા. 14 : બિહારમાં એનડીએને મળેલી પ્રચંડ બહુમતી બાદ પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ વિજયે નવા માય-એમ.વાય. (મહિલા અને યુવા)ની ફોર્મ્યુલા આપી છે. હવે પશ્ચિમ બંગાળમાં પણ જંગલરાજ ઉખેડી ફેંકશું. સાંજે દિલ્હી ભાજપ મુખ્યમથકે પહોંચ્યા હતા. પહોંચતા જ ગમછો લહેરાવીને કાર્યકરોનું અભિવાદન કર્યું હતું અને ઉત્સાહ વધાર્યો હતો. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત છઠ્ઠ મૈયાની જય સાથે કરી હતી અને આગળ કહ્યું હતું કે એનડીએના લોકો જનતા જનાર્દનના સેવક છે અને મહેનતથી જનતાનું દિલ જીતવાની કોશિશ કરે છે. આમ બિહારમાં જનતાનું દિલ જીતી લીધું છે. પીએમ મોદીએ સંબોધનમાં એસઆઈઆરની વાત કરતા કહ્યું હતું કે બિહારના યુવાનોએ એસઆઈઆરને સમર્થન આપ્યું છે અને પ્રક્રિયાને ગંભીરતાથી લઈ રહ્યા છે. આ સાથે પીએમ મોદીએ આરજેડી અને કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે આ જીત વંશવાદ વિરુદ્ધ વિકાસવાદની છે. તેમજ વિપક્ષી દળોને સલાહ આપી હતી કે કોંગ્રેસથી સાવધાન રહેવાની જરૂરિયાત છે. કોંગ્રેસ પરજીવી છે. જે સહયોગીઓના વોટબેંકને ઓગાળીને વાપસી કરવા માગે છે. આ સાથે કોંગ્રેસ મુસ્લિમલીગી માઓવાદી કોંગ્રેસ એટલે કે એમએમસી હોવાનું કહ્યું હતું.  બિહારની જનતાએ સૌથી મોટો જનાદેશ એનડીએને આપ્યો છે. તેઓ તમામ દળો તરફથી બિહારની જનતાને નમન કરે છે. બિહારમાં અમુક દળોએ તુષ્ટિકરણનો એમવાય ફોર્મ્યુલા બનાવ્યો હતો પણ જીતે એક નવો સકારાત્મક  એમવાય ફોર્મ્યુલા આપ્યો છે. જે મહિલા અને યુથનો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ચિરાગ પાસવાને સારૂ નેતૃત્વ બતાવ્યું છે અને એનડીએ કાર્યકરોએ પણ સારા તાલમેલથી પ્રદર્શન કર્યું છે. આ માત્ર એનડીએની જીત નહી પણ લોકતંત્રની જીત છે. આ ચૂંટણી પંચ ઉપર લોકોના વિશ્વાસની ચૂંટણી છે. એક સમયે બિહારમાં માઓવાદી હાવી હતા અને ત્રણ વાગ્યે જ મતદાન પૂરું થઈ જતું હતું. જો કે આ વખતે બિહારમાં કોઈપણ ડર વિના ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન થયું છે.  પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે બિહારમાં જંગલરાજ ખતમ થતા ફેરચૂંટણીની નોબત આવી નથી. આ માટે તેઓ ચૂંટણી પંચ, બિહાર મતદાતા અને સુરક્ષા દળ તમામને અભિનંદન આપે છે. બિહારની ચૂંટણીએ વધુ એક વાત સિદ્ધ કરી છે કે યુવા મતદાતાઓ વોટર લિસ્ટના શુદ્ધિકરણ (એસઆઈઆર)ને ગંભીરતાથી લઈ રહ્યા છે. તેઓ માને છે કે લોકતંત્રની પવિત્રતા દરેક મતદાતા માટે મહત્ત્વપૂર્ણ છે. મોદીએ આ સાથે સંબોધનમાં કહ્યું હતું કે બિહારની ધરતી ઉપર જંગલરાજની વાપસી ક્યારેય થવાની નથી. આજની જીત બિહારની માતાઓ અને બહેનોની છે. જેઓએ આરજેડીના શાસનમાં જંગલરાજ સહન કર્યું છે. આતંકના આ દિવસો ઈતિહાસ બની ગયા છે.  વિપક્ષ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, બિહારમાં વિપક્ષ દ્વારા ખોટી છબી બનાવવામાં આવી હતી. જો કે લોકોએ છઠ્ઠ મૈયાનું અપમાન કરનારા અને છઠ્ઠ પૂજાને નાટક કહેનારાને જવાબ આપી દીધો છે.  

Panchang

dd