નવી દિલ્હી, તા. 13 : લદ્દાખમાં
ચીન સીમા નજીક વ્યોમા સ્થિત મુધ એરબેઝ શરૂ થઈ ચૂક્યો છે. કુલ 218 કરોડ
રૂપિયાના ખર્ચે 13 હજાર ફુટની ઊંચાઈ પર નિર્મિત આ એરબેઝ ગતિભેર સેના અને
હથિયારો પહોંચાડશે. ભારતીય વાયુદળના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે એરબેઝનું
ઉદ્ઘાટન કર્યું હતું. સિંહ નોઈડાના હિંડન એરબેઝથી સી-130 સુપર
હરક્યુલીસમાં ઉડાન ભરી ન્યોમા પહોંચ્યા હતા. ન્યોમા એરબેઝ 13710 ફૂટની
ઊંચાઈ સાથે વિશ્વના સૌથી ઊંચા એરબેઝમાંથી એક છે, જે ચીનને અડીને આવેલી વાસ્તવિક નિયંત્રણ
રેખા (એલએસી)થી માત્ર 25 કિ.મી. દૂર છે. આ અત્યાધુનિક
એરબેઝમાં 2.7 કિલોમીટર લંબાઈ ધરાવતો રન-વે છે. ખાસ
જાણવા જેવી વાત એ છે કે, આ એરબેઝ પરથી યુદ્ધ વિમાન,
પરિવહન વિમાન અને હેલિકોપ્ટર ઉડાન ભરી શકે છે. ન્યોમા એરબેઝ હથિયારો
અને સૈનિકોને એકથી બીજા સ્થળ સુધી ગતિભેર પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ
એરબેઝ શરૂ થતાં લદ્દાખનાં સંવેદનશીલ ક્ષેત્રમાં ભારતીય સેનાની યુદ્ધની તાકાતમાં
વધારો થઈ જશે. લદ્દાખમાં વાયુદળના આ ચોથા એરબેઝની પાયાવિધિ દેશના સંરક્ષણમંત્રી
રાજનાથ સિંહે સપ્ટેમ્બર-2023માં કરી હતી.