• બુધવાર, 12 નવેમ્બર, 2025

હમાસે તમામ ઈઝરાયલી બંધકોને કર્યા મુક્ત

નવી દિલ્હી, તા. 13 : ઈઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ સમજૂતી બાદ હમાસ તરફથી ઈઝરાયલના 20 બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. ઈઝરાયલ તરફથી પણ પેલેસ્ટાઈનના કેદીઓને છોડવામાં આવ્યા છે. ઈઝરાયલમાં બંધકોની મુક્તિ બાદ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ પહોંચ્યા હતા અને ત્યાંની સંસદમાં સંબોધન કર્યું હતું.  ઈઝરાયલી સંસદમાં સંબોધન કરતા ટ્રમ્પે ગાઝા યુદ્ધની સમાપ્તિનું એલાન કર્યું હતું અને દાવો કર્યો હતો કે તેમનું વ્યક્તિત્વ યુદ્ધો રોકાવનારૂ છે. ઈઝરાયલને શક્તિશાળી દેશ બનાવવો એ જ શાંતિની ચાવી છે. ટ્રમ્પ જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે બે વામપંથી ઈઝરાયલી સાંસદોએ સંબોધનમાં અડચણ ઉભી કરી હતી અને નરસંહારના પોસ્ટર બતાવ્યા હતા. જેનાથી સદનમાં હંગામો મચ્યો હતો. બન્ને સાંસદને બહાર કરવામાં આવ્યા બાદ ટ્રમ્પે પોતાનું ભાષણ શરૂ કર્યું હતું. ટ્રમ્પે સંબોધનમાં અરબ દેશો અને ત્યાંના મુસ્લિમ નેતાઓની પણ પ્રશંસા કરી હતી અને હમાસ ઉપર દબાણ લાવવા માટે આભાર માન્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે 20 બંધક પોતાના પરિવાર પાસે પહોંચ્યા છે જેનાથી ઈઝરાયલમાં અપાર આનંદ છે. ઈઝરાયલની પવિત્ર ભૂમિ ઉપર સુર્યોદય થઈ રહ્યો છે અને શાંતિનું આગમન થયું છે. આ પહેલા ઈઝરાયલી પીએમ નેતન્યાહુએ ટ્રમ્પની ખુબ પ્રશંસા કરી હતી અને ભાવુક થઈને કહ્યું હતું કે ટ્રમ્પનું નામ ઈઝરાયલના વારસામાં હંમેશા માટે અંકિત થયું છે. માનવતાના ઈતિહાસમાં પણ ટ્રમ્પનું નામ સુવર્ણ અક્ષરોએ અંકિત થયું છે. તેઓ પુરા દેશ તરફથી ટ્રમ્પનો આભાર માને છે.

Panchang

dd