પટણા, તા. 12 : બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને
રાખીને એનડીએ દ્વારા દિવસોની મથામણ બાદ આજે બેઠકની વહેચણીનું એલાન કરવામાં આવી ગયું
છે. મુખ્યમંત્રી નીતીશકુમારની જેડી-યુ અને ભાજપે 101-101 બેઠક પોતાની પાસે રાખી છે,
જ્યારે ચિરાગ પાસવાનની એલજેપીને 29 બેઠક મળી છે. ઉપેન્દ્ર કુશવાહાની
રાષ્ટ્રીય લોક મોરચાને છ અને જીતનરામ માંઝીની હમને પણ છ બેઠક મળી છે. ઓછી બેઠકોને લીધે
માંઝી નારાજ હોવાની ચર્ચા છે અને એવું નિવેદન આપ્યું હતું કે, આ બેઠક વહેંચણીથી એનડીએએ પરિણામ ભોગવવું પડી
શકે છે. એનડીએમાં બેઠક વહેચણીની ઘોષણા પ્રેસ કોન્ફરન્સમાં નહીં પણ ગઠબંધનના નેતાઓએ
સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે કરી છે. જેડી-યુના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા, આરએલએમ ચીફ ઉપેન્દ્ર કુશવાહા, કેન્દ્રીય મંત્રી ચિરાગ
પાસવાન અને બિહાર ભાજપ અધ્યક્ષ દિલીપ જયસ્વાલ સહિત અન્ય નેતાઓએ ટ્વીટ મારફતે બેઠક વહેચણીનો
નિર્ણય જાહેર કર્યો હતો. આમ હવે બિહારમાં નીતીશકુમાર અને જેડી-યુ `મોટો ભાઇ' રહ્યો નથી અને ભાજપ-જેડી-યુ સમાન બેઠક પર લડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક સાંસદની સામે
છ વિધાનસભા બેઠકની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી છે. એ મુજબ એલજેપીને 29 બેઠક મળી ગઇ છે. આ દરમિયાન
આરજેડીના વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે, મહા ગઠબંધનમાં બધું બરાબર છે અને આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ થશે, જેમાં બધું સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન આરજેડી, કોંગ્રેસ,
લેફટ સહિત તમામ સાથી દળો વચ્ચે બેઠક વહેચણીની ઘોષણા કરી દેવામાં આવશે.