નવી દિલ્હી, તા. 12 : અફઘાનિસ્તાન
અને પાકિસ્તાન વચ્ચે સીમા પર જારી સંઘર્ષે રવિવારે યુદ્ધ જેવું ભીષણ સ્વરૂપ ધારણ કરી
નાખ્યું હતું. પાક પર કહેર બનીને તૂટી પડેલા તાલિબાનના હુમલામાં 58 પાકિસ્તાની સૈનિક સહિત 65 લોકોનાં મોત થયાં હતાં. બીજી
તરફ, પાકે દાવો કર્યો હતો કે, વળતા જવાબમાં અમારી સેનાએ 200 તાલિબાન અને તેના સાથી આતંકવાદીઓને ઠાર કર્યા હતા.અફઘાનિસ્તાનની
તાલિબાન સરકારના વિદેશમંત્રી અમિરખાન મુતકીએ ભારતની ભૂમિ પરથી પાકને ચેતવણી આપી હતી
કે, અફઘાન શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છે છે, પરંતુ તેવા પ્રયાસો સફળ નહીં થાય, તો અમારી પાસે બીજા
વિકલ્પ પણ છે. દુનિયાના અનેક દેશોને ચિંતામાં મૂકી દેનાર આ યુદ્ધનાં મૂળમાં પાકિસ્તાનનો
એવો આરોપ છે કે, તાલિબાન જીવલેણ હુમલાઓ માટે જવાબદાર આતંકવાદી
સંગઠન તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ને છાવરે છે. રક્ષણ આપે છે. અફઘાન સરકારે
પાકનો આરોપ ફગાવી દીધો છે. પાક સેનાએ કાબુલમાં કરેલા હવાઇ હુમલાનો જડબાંતોડ જવાબ આપતાં
અફઘાન -તાલિબાન સેનાએ આસીમ મુનીરની પાકિસ્તાની સેનાને કમર તોડી નાખે તેવો ઝટકો આપ્યો
છે. તાલિબાન તરફથી ખતરનાક હુમલાએ શાહબાઝ શરીફ સરકારને ભારે પરેશાનીમાં મૂકી દીધી હતી.
પાક સેનાની ઊંઘ ઊડી ગઇ છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના મુખ્ય પ્રવકતા જબીહુલ્લાહ
મુજાહિદે દાવો કર્યો હતો કે, અફઘાન સુરક્ષા દળોએ પાકની 25 સૈન્ય ચોકીઓ પર કબજો કરી લીધો
છે. બીજી તરફ,
પાકિસ્તાને પણ 19 તાલિબાન સૈન્ય ચોકી પર કબજો કર્યો હોવાનો દાવો કર્યો હતો. અમારી
સેનાએ કરેલા હુમલામાં 58 પાકિસ્તાની
સૈનિક માર્યા ગયા છે, તો અન્ય 30 જવાન ઘાયલ થયા છે, તેવું તેમણે કહ્યું હતું. તાલિબાન પ્રશાસને
જણાવ્યું હતું કે, આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા વારંવાર અફઘાન
ક્ષેત્ર અને હવાઇ ઐસીમાનાં ઉલ્લંઘનના જવાબમાં કરાઇ છે. અફઘાનની તાલિબાન સરકારના વિદેશમંત્રી
અમિરખાન મુતકીએ ભારતની ભૂમિ પરથી કહ્યું હતું કે, પાકિસ્તાનની
અંદર આતંકવાદની સમસ્યા છે. પહેલાં તેને ખતમ કરવા પર ધ્યાન છે. ગઇકાલે શનિવારની મોડી
રાતથી તાલિબાન સેનાએ પાકિસ્તાન પર ઘાતક હુમલા શરૂ કરી દીધા હતા અને આતંકપરસ્ત દેશની
અને સૈન્ય ચોકીઓ પર કબજો કરી લીધો હતો.બીજી તરફ બોખલાઇ ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અફઘાન સેના
દ્વારા કરાયેલા હુમલાઓની ટીકા કરી હતી. શાહબાઝે આ હુમલાઓનો જવાબ અપાશે તેવી ચેતવણી
આપતાં તાલિબાન સરકાર પર આરોપ મૂકયો હતો કે, અફઘાન શાસન પોતાની
ભૂમિનો આતંકવાદીઓ દ્વારા પાકિસ્તાન પર હુમલા માટે ઉપયોગ કરવાની છૂટ આપે છે.