નવી દિલ્હી, તા. 10 : કેન્દ્રશાસિત
પ્રદેશ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરતી અરજીઓની સુનાવણીમાં સખત વલણ
અપનાવતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી. કાશ્મીરને પૂર્ણ
રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરતી અરજીઓ પર જવાબ આપવા માટે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર
સરકારને ચાર સપ્તાહનો સમય આપ્યો હતો.સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ આ મામલે
વાચચીત કરી રહ્યા છે. કેટલાક લોકો ખોટી વાતો ફેલાવે છે અને જમ્મુ-કાશ્મીરની ભયાનક તસવીર
રજૂ કરી રહ્યા છે, તેવું મહેતાએ કહ્યું હતું. સોલિસીટર જનરલે
સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, આ મામલામાં અનેક વાર્તા છે,
જેના પર વિચાર કરવાની જરૂર છે. અગાઉ 14મી ઓગસ્ટના થયેલી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે
આ મુદ્દા પર કેન્દ્ર સરકાર પાસેથી આઠ સપ્તાહમાં લેખિત જવાબ માગ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ બી. આર. ગવઈ અને જસ્ટિસ
વિનોદ ચંદ્રનની ખંડપીઠે પહેલગામ આતંકી હુમલાના ઉલ્લેખ સાથે જણાવ્યું હતું કે, આવી ઘટનાઓની અવગણના ન કરી શકાય.