કાબુલ, તા. 10 : ભારત ફરી અફઘાનિસ્તાનમાં પોતાનો
દૂતાવાસ શરૂ કરશે. વિદેશમંત્રી જયશંકરે શુક્રવારે તાલિબાન સરકારના વિદેશમંત્રી અમિર
ખાન મુતકી સાથે દ્વિપક્ષીય બેઠકમાં એલાન કર્યું હતું. ભારત અફઘાન રાજધાની કાબુલમાં
પોતાના ટેક્નોલોજી મિશનને દૂતાવાસમાં બદલશે. 2021માં તાલિબાન સત્તામાં આવ્યા બાદ ભારતે પોતાનો દૂતાવાસ બંધ કર્યો
હતો. જો કે, એક વર્ષ બાદ વેપાર,
તબીબી સહાય અને માનવીય સહાયની સુવિધા માટે ભારતે એકતાનું મિશન ખોલ્યું
હતું. દિલ્હીમાં થયેલી જયશંકર અને મુતકીની બેઠકમાં કોઇ પણ દેશના ધ્વજોનો ઉપયોગ કરાયો
નહોતો. ખાસ ઉલ્લેખ કરવો રહે કે, ભારતે અફઘાનમાં હજુ સુધી તાલિબાન
સરકારને માન્યતા આપી નથી. મુતકી ગઇકાલે ગુરુવારે એક સપ્તાહની યાત્રાએ દિલ્હી પહોંચ્યા
હતા. ઓગસ્ટ 2021માં તાલિબાન
સત્તામાં આવ્યા બાદ કાબુલથી દિલ્હી સુધી આ પહેલી મંત્રી સ્તરની યાત્રા છે. જયશંકરે
જણાવ્યું હતું કે, ભારતને અફઘાનના
વિકાસમાં ઊંડો રસ છે. તેમણે આતંકવાદ સામે લડવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. મુતકીએ
ભારતનો આભાર માનતાં કહ્યું હતું કે, ભૂકંપમાં ભારતે સૌથી પહેલાં
મદદ પહોંચાડી હતી. - અફઘાન વિદેશમંત્રીની પરિષદમાં મહિલા પત્રકારોને પ્રવેશ નહીં
! : નવી દિલ્હી, તા. 10 : સાત દિવસના
ભારત પ્રવાસે આવેલા અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના વિદેશમંત્રી અમિર ખાન મુતકીએ દિલ્હીમાં
સંબોધન કર્યું હતું, તે પત્રકાર
પરિષદમાં મહિલા પત્રકારોને પ્રવેશ પર મહિલા
પત્રકારોને પ્રવેશ નહીં પ્રતિબંધ મુકાયો હતો. તાલિબાની ફરમાનનાં પગલે મુતકીની પત્રકાર
પરિષદમાં મહિલા પત્રકારોની પ્રવેશબંધી ચર્ચામાં રહી. સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત
કરતાં લોકોએ આવાં પગલાંને અસ્વીકાર્ય લેખાવ્યું હતું. પુરુષ પત્રકારોએ આવી મહિલા પ્રવેશબંધીનો
વિરોધ કરી, વોકઆઉટ કરી જવાની જરૂર હતી, તેવું લોકોએ રોષભેર કહ્યું હતું.