કાબુલ, તા. 10 : પાકિસ્તાને ગઇકાલે ગુરુવારની
મોડીરાત્રે અફઘાન રાજધાની કાબુલમાં તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)નાં અનેક ઠેકાણાઓ
પર હવાઇ હુમલા કર્યા હતા. પાકિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર પાક વાયુદળે ટીટીપીના
વડા મુફ્તી નૂરવલી મહસૂદને ઠાર માર્યાનો દાવો કર્યો હતો. તાલિબાન સરકારના વિદેશ મંત્રી
અમિર ખાન મુતકીએ ભારતની ભૂમિ પરથી પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે, પાક અફઘાનિસ્તાન સાથે રમત રમવી બંધ કરે. અફઘાનને ઉશ્કેરવાથી પહેલાં પાકિસ્તાને બ્રિટન અને
અમેરિકા સાથે વાત કરી લેવી જોઈએ, તેવું મુતકીએ જણાવ્યું હતું.મહસૂદ
પૂર્વ કાબુલમાં એક ઠેકાણામાં મોજૂદ હતો, તેની કાર અને ગેસ્ટહાઉસને
પાક વાયુદળ દ્વારા નિશાન બનાવાયા હતા.બીજીતરફ તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા જબીહુલ્લાહ
મુજાહિદે દાવો કર્યો હતો કે, વિસ્ફોટથી કોઇ પણ જાતનું નુકસાન
થયું નથી, સ્થિતિ અંકુશમાં છે. તાલિબાન સરકારના વિદેશમંત્રી આમિરખાન
મુતકી સાત દિવસના ભારત પ્રવાસે છે, તેવા જ સમયે પાકે કાબુલ પર
હવાઇ હુમલો કર્યો હતો. નૂરવલી મહસૂદનો જન્મ 26 જૂન-1978ના દિવસે
પાકના દક્ષિણ વજિરિસ્તાનના ગુડગાંવ વિસ્તારમાં થયો હતો. મહસૂદ પાકિસ્તાનના મોસ્ટ વોન્ટેડ
આતંકીઓમાંથી એક હતો. મુલ્લા ફઝલુલ્લાહનાં મોત બાદ તેણે તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન
(ટીટીપી)નું સુકાન સંભાળ્યું હતું.