નવી દિલ્હી, તા. 10 : દેશભરના ઘણા
રાજ્યમાંથી ગરમીની વિદાય શરૂ થઈ ચૂકી છે અને ગુલાબી ઠંડીએ દસ્તક આપ્યા છે. દિલ્હી હોય
કે બિહાર દરેક જગ્યાએ હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સવાર અને સાંજના સમયે બહાર નીકળતા
જ શિયાળા જેવો અનુભવ શરૂ થયો છે અને લોકોએ ગરમ કપડા પહેરવાની શરૂઆત કરી દીધી છે. ઠંડી
હવાઓના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ,
બિહાર, ઝારખંડ અને બંગાળમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો
છે. મધ્ય ઓક્ટોબરથી જ દિલ્હી એનસીઆરમાં ગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે. હવામાન
વિભાગે પહેલા જ 12 ઓક્ટોબર સુધી
ઠંડીની અસર રહેવાનો વરતારો કર્યો હતો. તેવામાં દિલ્હીમાં વર્તમાન સમયે વરસાદના કોઈ
સંકેત મળી રહ્યા નથી. ઉત્તર પ્રદેશમાં વરસાદની ઋતુ સમાપ્ત થઈ છે. આ સાથે જ રાજ્યના
વિવિધ જિલ્લામાં ઠંડીનું આગમન થયું છે.ભારતીય હવામાન વિભાગ અનુસાર અયોધ્યા, આગરા, કાનપુર,
વારાણસી, મથુરા, ગાઝીપુર,
બલાયા, કુશીનગર, દેવરિયા
જેવા જિલ્લામાં હવામાન સમાન્ય રહેશે. જો કે સવાર અને સાંજના સમયે ઠંડીની અસર જોવા મળી
શકે છે. બિહારમાં પણ તાપમાન ગગડી રહ્યું છે. ઉત્તરાખંડ, હિમાચલ
પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા શરૂ થઈ ચૂકી છે.