• રવિવાર, 20 જુલાઈ, 2025

કેન્દ્ર લક્ષદ્વીપનો ટાપુ નિયંત્રણમાં લેશે

નવી દિલ્હી, તા.19 : લક્ષદ્વીપ પ્રશાસન સંરક્ષણ હેતુ માટે દ્વીપસમૂહના દસ વસ્તીવાળા ટાપુ પૈકીના એક એવા બિત્રાને સંરક્ષણ હેતુ માટે હસ્તગત કરવાનું વિચારી રહ્યું છે.  જોકે, ટાપુ પર રહેતા 150 સ્થાનિકોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો છે. સ્થાનિક કોંગ્રેસના સાંસદ હમદુલ્લા સૈયદે આ પગલાનો વિરોધ કરતા કહ્યું છે કે આ પાછળનો વાસ્તવિક હેતુ સ્થાનિક વસ્તીને વિસ્થાપિત કરવાનો છે. તેમણે કહ્યું કે તેઓ આ પગલાનો વિરોધ કરવા માટે તમામ રાજકીય અને કાનૂની માર્ગો શોધશે. તેઓ આગામી સંસદ સત્રમાં આ મુદ્દો ઉઠાવશે અને કેન્દ્ર સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરશે. નોંધનીય છે કે 11મી જુલાઈના સરકારી પરિપત્રમાં મહેસૂલ વિભાગ દ્વારા બિત્રા ટાપુના સમગ્ર જમીન વિસ્તારને કબજે કરવાના પ્રસ્તાવની રૂપરેખા આપવામાં આવી છે. તેનો હેતુ તેને કેન્દ્રની સંબંધિત સંરક્ષણ અને વ્યૂહાત્મક એજન્સીઓને સોંપણી કરવાનો છે. ગયા અઠવાડિયે જારી કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ પહેલ ટાપુની વ્યૂહાત્મક સ્થિતિ, તેની રાષ્ટ્રીય સુરક્ષા સુસંગતતા અને વહીવટી પડકારો દ્વારા પ્રેરિત છે. જમીન સંપાદન, પુનર્વસન અને પુન:સ્થાપનમાં વાજબી વળતર અને પારદર્શિતાના અધિકાર અધિનિયમ, 2013ની સંબંધિત જોગવાઈઓ અનુસાર પ્રાદેશિક વહીવટીતંત્ર ટાપુને સંપાદિત કરશે. આ માટે, પ્રસ્તાવિત વિસ્તારનો `સામાજિક અસર મૂલ્યાંકન' (એસઆઈએ) અભ્યાસ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર શિવમ ચંદ્રાએ આદેશમાં જણાવ્યું હતું કે `સામાજિક અસર મૂલ્યાંકન' પહેલ હેઠળ ગ્રામ સભાઓ સહિત તમામ હિસ્સેદારોનો સંપર્ક કરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે સંપાદન હેઠળ પ્રસ્તાવિત વિસ્તારનો સર્વે 11 જુલાઈના રોજ જાહેરનામાના પ્રકાશનની તારીખથી બે મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે.  

Panchang

dd