• રવિવાર, 20 જુલાઈ, 2025

પાકના મિત્ર ચીને પહેલગામ હુમલાની ટીકા કરી !

બીજિંગ, તા. 19 : ભારત વિરોધી વલણ માટે કુખ્યાત ચીને આશ્ચર્યજનક ચેષ્ટારૂપે પહેલગામ આતંકવાદી હુમલાની આકરી ટીકા કરી હતી. ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવકતા લીન જિયાને પત્રકારોને જણાવ્યું હતું કે, ચીન દરેક પ્રકારના આતંકવાદનો સખત વિરોધ કરે છે અને 22 એપ્રિલના પહેલગામ હુમલાની નિંદા કરે છે. અમેરિકાએ પાકિસ્તાનને આંચકો આપતાં પાકનાં સમર્થનવાળા ધ રેઝિસ્ટંસ ફ્રન્ટ (ટીઆરએફ)ને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યા બાદ ચીને આવી ટિપ્પણી કરી હતી. ભારતમાં થયેલા હુમલાની ટીકા કરનાર ચીને ખંધાઇ તો બતાવી જ હતી. ડ્રેગને ટીઆરએફને સ્પષ્ટ શબ્દોમાં આતંકવાદી સંગઠન લેખાવ્યું નહોતું. એ હકીકત પણ જાહેર, જગજાહેર  છે કે, ચીન અંદરખાને આતંકને પોષતાં પાકિસ્તાનને મદદ કરે છે, પછી ભલે એ તગડી શરતોનાં દબાણ હેઠળ હેય. ચીની વિદેશ પ્રવકતા જિયાને કહ્યું હતું કે, ચીન તમામ દેશોને આતંકવાદ વિરુદ્ધ સહયોગ વધારવા અને ક્ષેત્રીય શાંતિ, સ્થિરતા જાળવવાની અપીલ  કરે છે.જોકે, 26 એપ્રિલના ટીઆરએફે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું. સંગઠનના પ્રવક્તા અહેમદ ખાલિદે કહ્યું હતું કે પહેલગામ હુમલા માટે ટીઆરએફને દોષી ઠેરવવું ખોટું છે. ખાલિદે કહ્યું કે તેમની વેબસાઇટ હેક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ટીઆરએફ મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય છે. તે ઘણીવાર એવા લોકોની ભરતી કરે છે જે સામાન્ય નાગરિકો જેવા દેખાય છે પરંતુ ગુપ્ત રીતે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોય છે. આને હાઇબ્રિડ આતંકવાદીઓ કહેવામાં આવે છે. ભારત સરકારે 5 જાન્યુઆરી, 2023ના ટીઆરએફને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) એ જમ્મુ અને કાશ્મીરના આતંકવાદી સંગઠનોમાં એક નવું નામ છે. 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા પછી તે અસ્તિત્વમાં આવ્યું છે. ભારત સરકાર પણ માને છે કે તે લશ્કર-એ-તૈયબાનું એક પ્રોક્સી આતંકવાદી સંગઠન છે.  સૈનિકો અને નાગરિકોની હત્યા કરવા ઉપરાંત, આ આતંકવાદી સંગઠન સરહદ પાર ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીમાં સામેલ રહ્યું છે.   

Panchang

dd