• રવિવાર, 20 જુલાઈ, 2025

ગંભીરાકાંડ : સરકાર સામે હાઈકોર્ટ ખફા

અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : પાદરા-જંબુસર વચ્ચે મહીસાગર નદી પર આવેલો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટના અંગે થયેલી અરજી પરથી ગુજરાત હાઈકોર્ટે સરકારની કામગીરી સામે નારાજી દર્શાવી છે. પુલના નિરીક્ષણ વિશે કોર્ટે રાજ્ય સરકારને વેધક સવાલ કર્યા હતા. ચોમાસાં પહેલાં  નિરીક્ષણ થયું અને ચોમાસાં બાદ પુલનું ઈન્સ્પેક્શન થવાનું હતું, તેમ છતાં વડોદરામાં ગંભીરા પુલ તૂટી પડયાની દુર્ઘટના ઘટી હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું, જેથી રાજ્ય સરકાર વતિ એડવોકેટ જનરલે કોર્ટમાં માફી માગી હતી. આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગની કામગીરીને લઈ હાઇકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો હતો. અધિકારીઓ હાલ રાજ્યના બ્રિજનું ઇન્સ્પેક્શન કરી રહ્યા હોવાનો એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં દાવો કર્યો હતો. હાલ તમામ અધિકારીઓને કહી તપાસ રિપોર્ટ મગાવવામાં આવ્યા હોવાનું એડવોકેટ જનરલે કોર્ટમાં જણાવ્યું હતું.  રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ માફી માગી હતી. તેમણે કોર્ટને માહિતી આપી હતી  કે, હાલ તમામ સંબંધિત અધિકારીઓ પાસેથી તપાસ રિપોર્ટ મગાવવામાં આવ્યો છે. આ ઘટનાએ રાજ્યની માળખાંકીય સુવિધાઓનાં નિરીક્ષણ અને જાળવણી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાઈકોર્ટની આ કડક ટિપ્પણી બાદ હવે સરકાર પર જવાબદારી અને પારદર્શિતા વધારવા દબાણ વધી ગયું છે. મહત્ત્વનું છે કે, મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી છે, જે કેસની આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં આજે યોજાયેલી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલની બેન્ચમાં વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે પણ ચર્ચા થઈ હતી.   

Panchang

dd